Western Times News

Gujarati News

હાલોલના લિમડી ફળિયા કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

માહિતી બ્યુરો, ગોધરાઃ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ હાલોલના લિમડી ફળિયા કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લઈ પોઝિટીવ કેસો મળ્યા બાદ સંક્રમણને કાબૂમાં લેવા માટે કરાઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને મળીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ રાખવાના થતા સાવચેતીના પગલાઓ વિશે સમજૂત કરી સહયોગ આપવા અપીલ કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ મૂવમેન્ટ રજિસ્ટરને કમ્પ્યુટરાઈઝ્ડ કરવા અંગે સૂચના આપી હતી. આ ઉપરાંત, વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલા ટેસ્ટીંગ અને મેડિકલ સર્વે અંગે જાણકારી મેળવી સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ બહારથી આવી રહેલ શ્રમિકો-મજદૂરોના જિલ્લામાં પ્રવેશ સમયે થતી ચેકિંગ અને સ્ક્રીનિંગ સહિતની કામગીરીની ચકાસણી કરવા માટે જિલ્લાની ચેકપોસ્ટોની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની તમામ 7 ચેકપોસ્ટ પર પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તેમજ પ્રવેશ સમયે આરોગ્યની ટીમ દ્વારા તેમની વ્યવસ્થિત આરોગ્ય ચકાસણી થાય છે. જ્યાંથી તેમને વધુ સઘન ચકાસણી માટે તાલુકા સ્ક્રીનીંગ સેન્ટર પર લઈ જવામાં આવે છે. જ્યાં તેમની બી.પી., ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ સહિતની તપાસ કરી યોગ્ય જણાય તો જે-તે ગામના સરપંચો દ્વારા તેમના ગામની શાળામાં કે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે. શ્રી અરોરાએ સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે વહીવટીતંત્રને પૂરતો સહયોગ આપવા તેમજ સરકાર દ્વારા સૂચવાયેલા બચાવના પગલાઓનું પાલન કરવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.