હાલોલની દર્શના પટેલે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો
(પ્રતિનિધિ) હાલોલ, હાલોલની યુવતીએ જયપુર ખાતે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતી અને પંચમહાલ તેમજ હાલોલનું નામ રોશન કર્યું છે. પરણિત યુવતીઓ માટે યોજાતી સૌંદર્ય સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સમાં હાલોલની દર્શના પટેલે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું ટાઇટલ જીતી અને ઇતિહાસ સર્જ્યો છે. સમગ્ર ભારતમાંથી પસંદગી પ્રક્રિયા બાદ જયપુર ખાતે સૌંદર્ય સ્પર્ધામાં ૨૨ યુવતીઓની વચ્ચે અંતિમ રાઉન્ડ યોજાયા હતા.
અલગ અલગ રાઉન્ડ બાદ ૨૨ યુવતીઓ પૈકી ૫ યુવતીઓ અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી.જેમાંથી હાલોલની દર્શના પટેલને મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ આપવામાં આવ્યો હતો. હાલોલમાં જ જન્મેલી અને લગ્ન બાદ હાલોલમાં જ સ્થાયી થયેલી દર્શના પટેલ એક બાળકની માતા છે. જેણે ખુબ પ્રતિષ્ઠિત ગણાતી મિસીસ ઇન્ડિયા યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધામાં ખિતાબ જીત્યો હતો.
પંચમહાલ જિલ્લા માટે આ સૌપ્રથમ વખત બન્યું છે કે કોઈ યુવતી રાષ્ટ્રીય કક્ષાએ સૌંદર્ય સ્પર્ધામાં ઝળકી હોય અને સૌંદર્ય બાબતે પંચમહાલ જિલ્લાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવડાવી હોય. દર્શના પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં તે નોમિનેટ થયા તે બાદ જીતવા માટે કટિબદ્ધ હતા અને તે માટે હાલોલમાં રહીને જ તમામ તૈયારીઓ કરી હતી.
સ્પર્ધામાં મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાંથી નિષ્ણાતો પાસે તાલીમ લઈને આવેલી સ્પર્ધકો હતી પરંતુ તેઓ સામે પણ હાલોલની છોકરી બાજી મારી ગઈ તે તમામ સ્પર્ધકો અને પ્રેક્ષકો માટે સુખદ આશ્ચર્ય હતું. કોઈ ખર્ચાળ તાલીમ વગર પણ માત્ર હિમ્મત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ સ્પર્ધામાં તમે મેદાન મારી શકો છો.