હાલોલમાં રસ્તાઓ પર ઉડતી ધૂળની ડમરીઓથી પ્રજા ત્રાહીમામ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ નગરમાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે.ગટર યોજનાના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટર મા પાઈપો નાખવા માટે ખોદેલા ખાડાઓ નું પુરાણ બરાબર નહી કરતા નગરમાં તમામ રોડ રસ્તા ખાબડ ખૂબડ થઈ ગયા છે.
જેના કારણે નગરજનો અને રાહદારીઓ માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખોદેલા ખાડાઓને લઈ પૂરવામાં આવેલ માટીને લઈ નગરમાં ફરતા વાહનોને કારણે નગરના તમામ રોડ રસ્તા ઉપર ધુળની ડમરીઓ ઉડે છે. જેના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
એક તરફ બેવડી ઋતુના કારણે તાવ, શરદી, ખાંસી, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગે ભરડો ભર્યો છે. સાથે આ રસ્તા ઉપર ઊડતી ધૂળ ની ડમરીઓ ને કારણે લોકોને શ્વાસમાં જાય છે. જેને કારણે લોકોને ખાંસી તેમજ આંખના રોગો થવા લાગ્યા છે. કોરોના નો કેર ઘટયો હોવા છતાં હાલોલ નગરવાસીઓ માટે આજે પણ માસ્ક પહેરી ને ફરવું પડે છે.
કારણકે નગરના તમામ રોડ રસ્તા ખોદી કાઢેલ છે. અને તેનું પુરાણ માટીથી કરવામાં આવેલ છે. તે ઊડતી ધૂળને કારણે લોકોને પોતાના ઉપર માસ્ક કે રૂમાલ બાંધવો ફરજીયાત બની ગયો છે.નગરજનો હાલમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના નો હવે અંત આવે તેઓ વિચારી રહી છે.
એક તરફ નગરજનોની સુખાકારી માટે આ યોજનાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ યોજના ગોકળ ગતિ થી ચાલતી હોવાને લઇ નગરજનો તોબા પોકારી ગયા છે.