હાલોલ-ગોધરા રોડ પર માર્ગ અકસ્માતમાં બે યુવકના મોત
અમદાવાદ: હાલોલ ગોધરા બાયપાસ રોડ પર બાઈક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે યુવાનોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક બંને યુવાનો ફાગવેલથી દર્શન કરીને પરત ફરતા હતા તે દરમ્યાન જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે પોલીસે જીપ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, હાલોલ તાલુકાના રામપુરા ગામનો યુવરાજ રામાભાઈ પરમાર (ઉ.વ.૧૯) અને તેનો મિત્ર સંજય દલપતસિંહ પરમાર (ઉ.વ.૨૦) પૂનમના દિવસે બાઈક લઈને ફાગવેલ દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતા હતા. તે દરમિયાન હાલોલ બાયપાસ ચંદ્રપુરા ચોકડી પર વડોદરા તરફથી આવતી જીપના ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સંજય અને યુવરાજને ગંભીર ઈજાઓ પોહચતા બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં મોતને ભેટેલો યુવરાજ પરિવારમાં ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. રામપુરા ગામના દુધમલ યુવાનોના અકાળે મોત થતા ખોબલા જેવડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રામપુરા ગામના સંજય અને યુવરાજના મોત અંગે પીએમ રિપોર્ટમા બન્નેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બ્રેઇન હેમરેજ થયું હોવાનું તબીબે જણાવ્યું છે, જો બને યુવાનોએ બાઈક પર હેલ્મેટ પહેર્યું હોત તો અકસ્માતમાં કદાચ બ્રેઇન હેમરેજ ન થયું હોત. અને તેમનો જીવ બચી જવાની શક્યતા હતી. જા કે, બંને યુવકોના અકાળે મોતને લઇ સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.