હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૦.૮૦ મીટરે પહોંચી
ખેડૂતોને સિંચાઈ માટે, પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે |
ગાંધીનગર, ગુજરાત માટે સારા સમાચાર છે કે નર્મદા બંધની સપાટીમાં છેલ્લા આઠ દિવસથી સતત વધારો થઈ રહ્યો છે.હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૦.૮૦ મીટરે પહોંચી છે. મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા તેનું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. આજે ઉપરવાસમાંથી ૯૦ હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં ૨૨૦૦ એમસીએમ લાઈવ પાણીનો જથ્થો છે. ગુજરાત માટે કેનાલમાં ૬૦૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ હાલ રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા સક્ષમ ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે.
નર્મદા બંધમાં ૧૩૮.૬૮ મીટર સુધી પાણી ભરી શકાય છે. આ વર્ષ ખૂબ સારું છે. એટલે કે ડેમ આ સપાટી સુધી ભરાશે તો આગામી ત્રણ વર્ષ સુધી પાણીની જરા પણ તંગી નહીં પડે. નર્મદા ડેમના દરવાજા ૧૨૧.૯૨ મીટર પર બેસાડવામાં આવ્યા છે. ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર થઈ છે. જો આ દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ ઓવરફ્લો થયો હોત. હાલ ડેમના દરવાજા પર ૧૦ મીટર જેટલું પાણી ભરાયેલું છે.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ ૭૫% ભરાયેલો છે. આ ડેમની પાસેથી જ ૪૫૮ કી.મી. લાંબી કેનાલ શરૂ થાય છે. કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની ૨ મહિનાની તરસ છીપાવી શકે છે. નર્મદા આધારિત રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડથી રાજ્યની ૭૫% વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પહોંચતા પાણીથી ૧૮ લાખ હેક્ટર એટલે કે કુલ ખેતી લાયત વિસ્તારના ૧૫% જમીનમાં સિંચાઈનો લાભ મળે છે.SSS