Western Times News

Gujarati News

હાલ શહેરોમાં 2.68 કરોડ ઘરોમાં નળ વાટે પાણીનો પુરવઠો મળતો નથી

Files Photo

જલ જીવન અભિયાન – શહેરી અંતર્ગત પ્રાયોગિક પેયજલ સર્વેક્ષણ 10 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું-પ્રાયોગિક ધોરણે પ્રાપ્ત પરિણામોને આધારે તમામ અમૃત શહેરોમાં સર્વેક્ષણ લાગુ કરવામાં આવશે

કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગાશંકર મિશ્રાએ જલ જીવન અભિયાન – શહેરી અંતર્ગત પાયલોટ પેયજલ સર્વેક્ષણનો શુભારંભ કર્યો હતો. આ પાયલોટ પ્રોજેક્ટની વિગત આપતા શ્રી મિશ્રાએ જણાવ્યું હતું કે, પેયજલ સર્વેક્ષણ વિવિધ શહેરોમાં હાથ ધરવામાં આવશે,

જેનો ઉદ્દેશ પાણીનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો, નકામા પાણીનો પુનઃઉપયોગ કરવાનો તથા પડકારજનક પ્રક્રિયા દ્વારા પાણીના જથ્થા અને ગુણવત્તાના સંબંધમાં જળાશયોનું મૂલ્યાંકન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, “મંત્રાલયે એના પ્રથમ પગલાં સ્વરૂપે પ્રાયોગિક ધોરણે પેયજલ સર્વેક્ષણ 10 શહેરોમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

આ 10 શહેરો છે – આગ્રા, બદલાપુર, ભુવનેશ્વર, ચુરુ, કોચી, મદુરાઈ, પટિયાલા, રોહતક, સુરત અને તુમ્કુર. પ્રાયોગિક પ્રોજેક્ટના અનુભવને આધારે આ સર્વેક્ષણને તમામ અમૃત શહેરોમાં હાથ ધરવામાં આવશે.”

શહેરમાં નાગરિકો અને મ્યુનિસિપલ અધિકારીઓના પ્રત્યક્ષ ઇન્ટરવ્યૂ લઈને પીવાના પાણી, નકામા પાણીનું વ્યવસ્થાપન, પાણીના વ્યય અને શહેરમાં 3 જળાશયોની સ્થિતિ પરની માહિતી મેળવવામાં આવશે. આ માટે માન્ય પ્રશ્રોત્તરી, ઓન-કોલ ઇન્ટરવ્યૂ, પાણીના નમૂના મેળવવા અને પ્રયોગશાળામાં એનું પરીક્ષણ તથા પાણીના વ્યય પર ફિલ્ડ સર્વે હાથ ધરીને જાણકારી મેળવવામાં આવશે.

ટેકનોલોજી-આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ અભિયાનની કામગીરી પર નજર રાખવામાં આવશે, જેથી અભિયાનની પ્રગતિ અને એમાંથી પ્રાપ્ત થયેલા પરિણામોની સાથે લાભાર્થીઓનાં જવાબો પર નજર રહેશે. આ પ્રોજેક્ટ માટે સરકાર પાસેથી ફંડ ત્રણ હપ્તામાં 20:40:40માં મળશે. ત્રીજો હપ્તો હાંસલ થયેલા કાર્યકારી પરિણામોને આધારે આપવામાં આવશે અને ફંડિંગ આપતા સમયે વિશ્વસનિય ધોરણે બાકાત રાખવાની પ્રક્રિયાનો ઉપયોગ થશે.

જલ જીવન અભિયાન (શહેરી) (જેજેએમ (યુ))ની યોજના એસડીજી ગોલ – 6 (સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંક – 6)ને સુસંગત રીતે તમામ 4,378 શહેરોમાં નળનો ઉપયોગ કરીને તમામ ઘરોને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે. ઉપરાંત 500 અમૃત શહેરોને પાણીની દ્રષ્ટિએ  સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે જેજેએમ (યુ) અંતર્ગત સુએજ/સ્પેટેજ મેનેજમેન્ટ મુખ્ય કેન્દ્રિત બાબત છે.

એક અંદાજ મુજબ, હાલ શહેરોમાં 2.68 કરોડ ઘરોમાં નળ વાટે પાણીનો પુરવઠો મળતો નથી અને 500 અમૃત શહેરોમાં ગટરનું જોડાણ/સેપ્ટેજ 2.64 કરોડ પરિવારો ધરાવતા નથી, જેને જેજેએમ (યુ)માં આવરી લેવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

શહેરી એક્વિફર મેનેજમેન્ટ પ્લાન (શહેરી ભૂગર્ભજળ વ્યવસ્થાપન યોજના) દ્વારા સતત તાજાં પાણીનો પુરવઠો વધારવા જળાશયોનું નવીનીકરણ કરવું તથા હરિયાળા વિસ્તારો ઊભા કરવા અને પૂર ઘટાડવા સ્પોન્જ સિટીઝ ઊભા કરવા તથા સુવિધાઓ વધારવા એ કામગીરીના મુખ્ય ક્ષેત્રો છે.

જેજેએમ(યુ) પાણીના અસરકારક વપરાશ અને વ્યયમાં ઘટાડાને પ્રોત્સાહન આપશે. આ માટે દરેક શહેર માટે શહેર જળ સંતુલન યોજના વિકસાવવામાં આવશે, જેમાં ટ્રીટમેન્ટ થયેલા સુએજના રિસાઇકલિંગ/પુનઃવપરાશ, જળાશયોનું નવીનીકરણ અને જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સંસ્થાકીય વ્યવસ્થાના વિકાસ સાથે પુનઃવપરાશક્ષમ પાણી દ્વારા એની 20 ટકા માગને પૂર્ણ કરવામાં આવી હતી.

પાણીના ક્ષેત્રમાં લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીઓનો ઉપયોગ કરવા પાણી માટે ટેકનોલોજી સબમિશનની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જળ સંરક્ષણ વિશે લોકો વચ્ચે જાગૃતિ લાવવા માટે માહિતી, જાણકારી અને સંચાર (આઇઇસી) અભિયાન શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ અભિયાન સુધારા માટેની કામગીરી પણ ધરાવે છે, જે અંતર્ગત શહેરમાં પીવાલાયક પાણીનો સૂચકાંક, પાણીના વ્યયમાં ઘટાડો, મ્યુનિસિપાલિટીની નાણાકીય કામગીરીમાં સુધારો, વરસાદના પાણીનો સંચય, વર્ષ 2025 સુધી પાણીની કુલ માગનો ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો રિસાઇકલ કરેલા પાણી વડે પૂરો કરવા અને સ્થાનિક શહેરી વહીવીટ સંસ્થાઓ (યુએલબી)દીઠ ત્રણ જળાશયોને નવેસરથી કાર્યરત કરવા જેવી સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્થાનિક શહેરી વહીવટી સંસ્થાઓને સુધારાઓનો સફળતાપૂર્વક અમલ કરવા બદલ પ્રોત્સાહનો આપવામાં આવશે.

જેજેએમ(યુ) માટે કુલ રૂ. 2,87,000 કરોડ અંકિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં અમૃત અભિયાનને નાણાકીય મદદ આપવાનું જાળવી રાખવા માટે રૂ. 10,000 કરોડ સામેલ છે. સરકારી ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોને પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા ફંડના ઓછામાં ઓછા 10 ટકા ફંડનો  ઉપયોગ પીપીપી પ્રોજેક્ટ હાથ ધરવા માટે કરવો પડશે.

ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યો માટે કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ માટે 90 ટકા ફંડ આપશે. કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્ર સરકાર 100 ટકા ફંડ આપશે. વળી 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો માટે કેન્દ્ર સરકાર 50 ટકા, 1 લાખથી 10 લાખની વસ્તી ધરાવતા શહેરો માટે 33 ટકા અને 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરો માટે કેન્દ્ર સરકાર 25 ટકા ફંડ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.