Western Times News

Gujarati News

હિંમતનગર તાલુકાના બાવસર ગ્રામ પંચાયતનો સરપંચ ૧.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયા

હિંમતનગર, હિંમતનગર તાલુકાના બાવસર ગ્રામ પંચાયતની હદમાં લોખંડની ફેકટરી બનાવવાની હોવાથી બાંધકામની રજાચિઠ્ઠી માટે ગ્રામ પંચાયતના સરપંચે રૂ. ૧.૫૦ લાખની લાંચની રકમની માગણી કરી હતી. જે અંગેની ફરિયાદ સાબરકાંઠા જિલ્લા એસીબીને કરવામાં આવતા ગુરૂવારે છટકું ગોઠવીને બાવસર ગ્રામ પંચાયતના સરપંચને ખેતરમાં જ રૂા.૧.૫૦ લાખની લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

આ અંગે સાબરકાંઠા જિલ્લા એસીબી કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બાવસર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મુકેશકુમાર ગાભાજી પરમાર જવાબદારી સંભાળી રહ્યા હતા તે દરમિયાન બાવસર ગૃપ ગ્રામ પંચાયતની હદમાં એક વેપારીને લોખંડની ફેકટરી બનાવવાની હોવાથી ગ્રામ પંચાયતમાંથી બાંધકામની રજાચિઠ્ઠી લેવાની હતી. જે અંગે ફેકટરી માલિકે વારંવાર રજાચિઠ્ઠી માટેની માગણી કરી હતી તેમ છતાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ રજાચિઠ્ઠી આપવામાં આવતી ન હતી અને રૂ. ૧.૫૦ લાખની માગણી કરી હતી.

જાે લાંચની રકમ નહિ આપવામાં આવે તો ફેકટરીની આકારણીમાં વધારો કરી આર્થિક નુકશાન પહોંચાડવાની ધમકી પણ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર ગાભાજી પરમારે આપી હતી. જેથી કંટાળીને સમગ્ર ઘટના અંગેની માહિતી સાબરકાંઠા જિલ્લા એસીબી પી.આઇ. વી.એન.ચૌધરી સમક્ષ કરતા પુરાવાઓને ધ્યાનમાં રાખી ગાંધીનગર મદદનીશ નિયામક એ.કે.પરમારના સુપરવીઝન હેઠળ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતું.

જે દરમિયાન એસીબી પી.આઇ. વી.એન.ચૌધરીની સુચના હેઠળ કનુભાઇ રેવાભાઇ પટેલના ખેતરમાં પંચોની હાજરીમાં રૂ ૧.૫૦ લાખની લાંચની રકમ લેતા બાવસર ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર ગાભાજી પરમાર રંગેહાથે લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. લાંચના આ ગુનામાં ઝડપાયેલ બાવસર ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશકુમાર ગાભાજી પરમાર વિરૂધ્ધ લાંચ રૂશ્વત એકટ હેઠળ ગુનો નોંધી સાબરકાંઠા એસીબી પી.આઇ. વી.એન.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સરપંચો દ્વારા ખુલ્લેઆમ વિકાસના કામોમાં તેમજ મહેસુલી કામોમાં વહીવટીય દખલગીરી કરીને અરજદારોને હેરાન પરેશાન કરી મોટી રકમના તોડ સાથે લાંચ માગી રહ્યા છે ત્યારે જિલ્લા એસીબી તંત્ર દ્વારા હજુ વધુ આકરા પગલા ભરવામાં આવે તો કેટલાય લાંચીયા સરપંચો અને અધિકારી જેલ ભેગા થાય તો નવાઇ નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.