Western Times News

Gujarati News

હિંમતનગર: પથ્થરમારા બાદ ૩૯ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ: ૧૪૪ લાગુ

હિંમતનગર, હિંમતનગરમાં પગ મૂકતાં જ હવામાં રહેલો અકળાવનારો ધુમાડો શ્વાસમાં ગયા વિના ન રહે. આ ધુમાડો તમને એ અહેસાસ જરુર કરાવી દે કે કાંઈક અજુગતું હજી હમણાં જ થયું છે.

આમ તો રામનવમીની શોભાયાત્રા પરના પથ્થરમારા અને આગચંપીને 24 કલાક વીતી ગયા છે. પરંતુ વાતાવરણમાં તો હજી પણ એ જ ઉચાટ અને અકળાવનારી ગંધ છે. ગઈકાલની હિંસામાં સાબરકાંઠાના એસપી સહિત 10 પોલીસકર્મી ઘવાયા છે.

બીજી તરફ, RAF ( રેપિડ એક્શન ફોર્સ)ની ટીમ હિંમતનગર પહોંચી ગઈ છે, જેણે પેટ્રોલિંગ શરુ કરી દીધું છે. હાલમાં શહેરના વિસ્તારોમાં 144ની કલમ લાગુ છે જ્યારે હસનનગર, જૂના બજાર ન્યાય મંદિર, પોલો ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ જ છે. એ ઉપરાંત 39 લોકો સામે નામજોગ ફરિયાદ કરાઈ છે અને 700 લોકોનાં ટોળાં સામે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ દાખલ કરાઈ છે.

શહેરમાં રાયોટિંગ અને ગુનાહિત ષડયંત્રની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર A ડિવિઝન , B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 700થી વધુનાં ટોળાં સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે 3 અલગ અલગ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના છાપરિયા વિસ્તારમાં અશરફનગર કસબા, ઈમામવાડા અને વણઝારા વાસમાં પથ્થરમારા સાથે તોડફોડ કરાઈ હતી.

ઘર્ષણની ઘટનામાં 39 શખસ સામે નામજોગ અને 700થી વધુનાં ટોળાં સામે ડેમેઝ ટુ પબ્લિક પ્રોપર્ટી એટલે કે સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

હિંમતનગરના DCP વિશાલ વાઘેલાએ કહ્યું હતું કે ગઈકાલે રામનવમીની શોભાયાત્રામાં જે આગજની અને પથ્થરમારાના બનાવો બન્યાં હતાં. એ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ તોડફોડના બનાવો બન્યા હતા. આ ઘટનામાં અલગ અલગ એફઆઈઆર થયેલી છે. અમે હાલમાં શહેરમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.