હિંસક રાષ્ટ્રવાદ જેવા શબ્દ આતંકની વ્યાખ્યામાં સામેલ ના થઈ શકેઃ ભારત

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ખાતેના ભારતના સ્થાયી દૂત ટી. એસ. તિરુમૂર્તિએ કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક રણનીતિ સિલેક્ટિવ છે. તેમણે યુએનને બૌદ્ધ અને શીખ ધર્મ વિરુદ્ધ ધાર્મિક ભેદભાવની સાથોસાથ ‘હિન્દુ ફોબિયા’ને ઓળખવા આહવાન કર્યું.
તિરુમૂર્તિએ જણાવ્યું કે ગત વર્ષે આવેલી યુએનની વૈશ્વિક આતંકવાદવિરોધી રણનીતિ ખામીઓથી ભરેલી અને સિલેક્ટિવ છે. તે ૯/૧૧ બાદ ‘આતંકવાદ સામે યુદ્ધ’માં વૈશ્વિક સહમતિથી મેળવાયેલા ઉદ્દેશથી ઇતર છે. ‘હિંસક રાષ્ટ્રવાદ’ અને ‘જમણેરી ઉગ્રવાદ’ જેવા શબ્દો આતંકવાદની પરિભાષામાં સામેલ ન કરવા જાેઇએ, કેમ કે તેનાથી આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇ નબળી પડશે.
દિલ્હી સ્થિત ગ્લોબલ કાઉન્ટર-ટેરરિઝમ સેન્ટર દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સંમેલનમાં મુખ્ય ભાષણ આપતા તિરુમૂર્તિએ કહ્યું કે બે વર્ષમાં યુએનના ઘણા સભ્યો તેમના રાજકીય, ધાર્મિક કે અન્ય ઉદ્દેશથી પ્રેરાઇને વંશીય અને જાતીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ, હિંસક રાષ્ટ્રવાદ, જમણેરી ઉગ્રવાદ જેવા શબ્દોને આતંકવાદ સાથે જાેડવા પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિ ઘણાં કારણોસર ખતરનાક છે.
તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ યુએનમાં ભારતના રાજદૂત તરીકે બોલી રહ્યા છે, સુરક્ષા પરિષદમાં આતંકવાદવિરોધી સમિતિ (સીટીસી)ના અધ્યક્ષ તરીકે નહીં.
ભારતે ચાલુ મહિનાથી સીટીસીની અધ્યક્ષતા મેળવી છે. તિરુમૂર્તિની આ વાતોથી સંકેત મળે છે કે ભારત આતંકવાદ મુદ્દે યુએનએસસીની ચર્ચામાં સામેલ શરતોના વિસ્તરણનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે ધાર્મિક ભય, ખાસ કરીને હિન્દુવિરોધી, બૌદ્ધવિરોધી અને શીખવિરોધી ફોબિયા ગંભીર ચિંતાનો વિષય છે.
યુએનના તમામ સભ્ય દેશોએ આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. પશ્ચિમી દેશોનું મીડિયા ભારતમાં જમણેરી વિચારધારાને જાેખમ ગણાવે છે તે ભ્રામક અને ખોટું છે. એ સમજવું મહત્વપૂર્ણ છે કે લોકશાહીમાં જમણેરી અને ડાબેરી રાજકારણનો હિસ્સો છે. તેઓ લોકોની બહુમતીની ઇચ્છા દર્શાવતા મતપત્રના માધ્યમથી સત્તા પર આવે છે.
લોકશાહી ઘણી વિચારધારાઓનો સમૂહ હોય છે. તેમણે સારા અને ખરાબ આતંકવાદની વાતને ખતરનાક પ્રવૃત્તિ ગણાવતા કહ્યું કે આતંકવાદી આતંકવાદી હોય છે, સારા કે ખરાબ નથી હોતા. જે લોકો આવા ભેદનો પ્રચાર કરે છે તેમનો એક એજન્ડા હોય છે. આ આતંકવાદના બચાવનું બહાનું છે અને આવું કરતા લોકો પણ તેટલા જ દોષિત છે.HS