હિંસાના મૃતકોના પરિવારને ૪૫-૪૫ લાખ વળતર અપાશે

નવી દિલ્હી, કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીની ટિપ્પણીનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના દીકરા વચ્ચે રવિવારે થયેલી હિંસક અથડામણમાં ૮ લોકોના મોત થયા હતા અને ઉત્તર પ્રદેશમાં ત્યારથી ભારે હોબાળો મચ્યો છે.
કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા રાજકીય ગરમાવા વચ્ચે લખીમપુર જવા માટે નીકળ્યા હતા પરંતુ સીતાપુરના હરગાંવ ખાતે પોલીસે તેમને કસ્ટડીમાં પૂર્યા હતા.
તે સિવાય લખનૌમાં ધરણા પર બેઠેલા અખિલેશ યાદવને પણ કસ્ટડીમાં પૂરવામાં આવ્યા છે. આ તરફ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશીષ મિશ્ર વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
યુપીના લખીમપુર ખેરી ખાતે બનેલી ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને ૬ ઓક્ટોબર સુધી આરએએફ અને એસએસબીની ૨-૨ કંપનીઓ તૈનાત કરી છે. વહેલી સવારથી ખેડૂતો અને પ્રશાસન વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો અને આખરે બંને પક્ષ વચ્ચે સુલેહ થઈ ગઈ છે.
પ્રશાસને ખેડૂતોની માગણીનો સ્વીકાર કર્યો છે અને મૃતક ખેડૂતોના પરિવારજનોને ૪૫-૪૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તે સિવાય ઘાયલ ખેડૂતોને ૧૦ લાખ રૂપિયા આપવાની ઘોષણા કરવામાં આવી છે અને નવી કમિટીની રચના કરવામાં આવશે જે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કેસની તપાસ કરશે. એડીજી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે દોષિતો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.SSS