હિચકારી ઘટના! મહિલાના વાળ કાપી, ઝાડ સાથે બાંધી ગરમ સળીયાથી આપ્યા ડામ
બે દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો
ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને તેના વાળ કાપી નાખ્યા
બુંદી,દુનિયા ભલે ચંદ્રમા પર પહોંછે પરંતુ આજે પણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મહિલાઓની હાલતમાં કોઈ જ ફેર નથી થયો. મહિલાઓ સાથે બર્બરતા આજે પણ જોવા મળી જ રહી છે. આવો જ એક કેસ રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક મહિલાના પહેલા વાળ કાપી નાખવામાં આવ્યા હતા, ત્યારબાદ તેના ચહેરા પર કાજળ ચોપડવામાં આવી હતી. પછી તેને ઝાડ સાથે બાંધીને લોખંડના ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. ઘણા દિવસો સુધી મહિલા સાથે આ બર્બર કૃત્ય કરવામાં આવ્યું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સ્વયં-ઘોષિત તાંત્રિક અને તેના સહયોગીઓએ મહિલાને ડાકણ કહી હતી, ત્યારબાદ તેમના કહેવા પર મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એક ૫૦ વર્ષીય મહિલાને કથિત રીતે ઝાડ સાથે બાંધી દેવામાં આવી હતી અને તેને ‘ચૂડેલ’ તરીકે ઓળખાવીને ત્રાસ આપવામાં આવ્યો હતો.ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને તેના વાળ કાપી નાખ્યા. આ પછી, તેનો ચહેરો કાળો કરવામાં આવ્યો હતો અને તેને ‘દુષ્ટ આત્મા’માંથી મુક્ત કરવા માટે તેને બે દિવસ સુધી લોખંડના ગરમ સળિયાથી ત્રાસ આપવામાં આવ્યો હતો.
જોકે, પોલીસને ઘટનાની માહિતી મળતાં પોલીસની ટીમે મહિલાને મુક્ત કરાવી હતી. આ પછી મહિલાની પૂછપરછ કરવામાં આવી, જેના આધારે કહેવાતા તાંત્રિક અને તેના સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.બુંદીના પોલીસ અધિક્ષક રાજેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું હતું કે શાહપુરાની રહેવાસી નંદુબાઈ મીણાને હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુડાગોકુલપુરા ગામ પાસે એક સ્થાનિક દેવતાના પૂજા સ્થળ પર બે દિવસ સુધી અમાનવીય ત્રાસ આપવામાં આવ્યો હતો.
પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે નંદુબાઈ ને એક ‘દુષ્ટ આત્મા’થી છૂટકારો અપાવવા માટે ત્રાસ આપવામાં આવ્યો હતો જેણે ગામમાં તેના એક પરિણીત સંબંધીને કથિત રીતે નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસે શુક્રવારે મહિલાને બચાવી લીધી અને પીડિતાના નિવેદનના આધારે કહેવાતા તાંત્રિક બાબુલાલ અને તેના બે સહયોગીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો.