હિન્દુજા બંધુઓનો સંપત્તિ વિવાદ બ્રિટનની હાઈકોર્ટમાં
કંપનીનું ઔદ્યોગિક સામ્રાજ્ય મુંબઈમાં છે, ગ્રુપ વાહન, હોટલ, બેન્કિંગ અને આરોગ્યને લગતા ક્ષેત્રમાં કાર્યરત
લંડન, બ્રિટનના અગ્રણી કારોબારી જૂથ હિન્દુજા ગ્રૃપના બંધુઓની સંપત્તિને લગતી તકરાર ઈગ્લેન્ડની ઉચ્ચ અદાલતમાં પહોંચી ચૂકી છે. હિન્દુજા પરિવારનો બ્રિટનના અબજપતિઓની યાદીમાં સમાવેશ થાય છે. પરિવારના મોભી ગણાતા ૮૪ વર્ષીય શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ જ આ વિવાદને લઈ હાઈકોર્ટનું શરણું લીધું છે.
તેઓએ પોતાના ભાઈઓ જી.પી.હિન્દુજા(ઉ.વ.૮૦), પી.પી.હિન્દુજા(ઉ.વ.૭૫) અને એ.પી.હિન્દુજા(ઉ.વ.૬૯)ની સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ ૨જી જુલાઈ, ૨૦૧૪ના એક પત્રની કાયદેસરતા અને પ્રભાવની બાબતમાં છે. આ પત્રમાં જણાવ્યું છે કે તમામ ભાઈઓ એકબીજાને પોતાના નિર્વાહક નિયુક્ત કરે છે. તેમજ કોઈ એક ભાઈના નામ પરની સંપત્તિમાં ચારેય ભાઈઓનો ભાગ હશે.
આ જ રીતે ૧લી જુલાઈ, ૨૦૧૪નો અન્ય એક પત્ર પણ વિવાદ સાથે સામેલ છે. શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ પોતાની અપીલમાં આ દસ્તાવેજોને કાયદેસર રીતે અમાન્ય જાહેર કરવાની માગ કરી છે. તેમના કહેવા મુજબ આ દસ્તાવેજને વસિયત, પાવર ઓફ એર્ટની કે પછી અન્ય કોઈપણ પ્રકારના અસરદાર દસ્તાવેજ તરીકે માન્ય ગણાવી શકાય નહીં. તેની સાથે આ દસ્તાવેજનો ઉપયોગ થતો રોકવા માટે પણ નિર્દેશ જારી કરવાની અપીલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કેસની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ ફોકએ તેમાં આંશિક રીતે ગુપ્તતા જાળવવાનો આદેશ જારી કરવાનો નનૈયો ભણ્યો હતો.
તેમજ એસ.પી. હિન્દુજાની પુત્રી વિનુને પોતાનાં પિતાની બિમારીનાં કારણે કેસમાં મિત્ર તરીકે કામ કરવાની અને પોતાનાં પિતાનાં હિતોની રક્ષા કરવાની મંજૂરી આપી છે.સન્ડે ટાઈમ્સ દ્વારા જારી કરાયેલી ૨૦૨૦ના અમીરોની યાદીમાં જણાવ્યા મુજબ હિન્દુજા ગ્રૃપની કંપનીઓની સંચાલન કરનારા હિન્દુજા બંધુઓની સંપતિ ૧૬ અબજ પાઉન્ડ છે. તેમનું ઔદ્યોગિક સામ્રાજ્ય મુંબઈમાં છે, જ્યારે મુખ્ય મથક લંડનમાં છે. આ ગ્રૃપ વાહન, હોટલ, બેન્કીંગ અને આરોગ્યને લગતા સેવા ક્ષેત્રમાં કાર્યરત છે.