હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે: ગૃહ રાજ્યમંત્રી
હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે: આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે. જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ: ગૃહ રાજ્યમંત્રી
પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં લવજેહાદ કાયદાનું બીલ રજૂ કર્યુ
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજુ કર્યું હતું. જેને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ ઈમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલીગીરી વ્યક્ત કરી હતી.
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠી ભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે.
અમને તેનો વિરોધ છે. વિધાનસભામાં લવ જેહાદ પર બોલતા પરેશ ધાનાણી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતાં. ધાનાણીએ મુખ્યમંત્રીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, એ સમયે એમણે ધર્મના વાડા તોડી લગ્ન કર્યા હતાં. ત્યારે ભુપેન્દ્રસિંહે મુખ્યમંત્રીના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિધેયકમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી. ૨૦૦૩માં તમે ધર્મ સ્વતંત્રતા વિધેયક લાવ્યા હતાં. આજે ફરી લાવ્યા છો. ૧૭ વર્ષમાં તમે આવી ઘટનાઓ રોકી શક્યા નથી. પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય છે. એમ પરેશ ધાનાણીએ કહ્યું હતું.
ગુજરાત વિધાનસભામા વર્ષ ૨૦૦૩ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમા સુધારા વિધેયક રજૂ કરતા પ્રદીપસિંહ જાડેજા એક કલાક અને અગીયાર મિનિટ બોલ્યા છે. એમણે “લવજેહાદ”ની વિસ્તારથી વ્યાખ્યા પણ બાંધી છે. આવા કાયદાઓ વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમા અસ્તિત્વ ધરાવતા હોવાનુ પણ તેમણે કહ્યુ છે.
પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે જણાવ્યું કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ.
સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જાેડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે.
જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ. યુવક નાડાછડી પહેરીને આવે જેથી યુવતીને હિન્દુ લાગે છે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ ધર્મમાં માનતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી હોતો, જેથી ઘણી યુવતીઓ આત્મહત્યા પણ કરે છે.
કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકીને પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે. જેમાં સજાની અલગ અલગ જાેગવાઈ છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી, અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ.
હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જાેડાઈને, અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાંથી બનતા કિસ્સાઓમાં પણ કાર્યવાહી થશે.