હિમાચલની બલજીત કૌરે મહિનામાં ચાર ઊંચા શિખરો સર કરવાનો વિક્રમ કર્યો
શિમલા,હિમાચલ પ્રદેશના સોલન ક્ષેત્રના પંજરોલ ગામની બલજીત કૌરે ગત તા. ૨૨ મેના રોજ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો. ત્યાર બાદ બીજા જ દિવસે તેણે વિશ્વના ચોથા સૌથી ઉંચા શિખર માઉન્ટ લાહોત્સેનું ચઢાણ શરૂ કરી દીધું હતું અને તેના પર વિજય પતાકા લહેરાવી હતી.
આ સાથે જ બલજીતે એક જ મહિનાની અંદર ૮,૦૦૦ મીટરથી ઉંચા ૪ શિખર સર કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. બલજીતના પિતા અમરીક સિંહ હિમાચલ પ્રદેશમાં રાજ્ય સડક પરિવહન નિગમમાં ચાલક છે.
તેના માતા શાંતિદેવીએ જણાવ્યું કે, બલજીતને બાળપણથી જ પહાડો પર ચઢવાનો શોખ હતો. તે એનસીસી કેડેટ રહી ચુકી છે. એનસીસીના કેમ્પ દરમિયાન તેણે પર્વતારોહણનું પ્રશિક્ષણ મેળવ્યું હતું.
બલજીતે વર્ષ ૨૦૧૬માં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે તે સમયે ઓક્સિજન માસ્ક ખરાબ થવાના કારણે તેણે વચ્ચેથી પરત ફરવું પડ્યું હતું. તેણે અત્યાર સુધીમાં અનેક પહાડના ઉંચા-ઉંચા શિખરો સર કર્યા છે.
મહારાષ્ટ્રની પ્રિયંકા મોહિતે તાજેતરમાં જ ૮,૦૦૦ મીટરથી ઉંચા ૫ શિખરો સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. બલજીતે ૮,૦૦૦ મીટરથી ઉંચા ૫ શિખરો પર વિજય પ્રાપ્ત કરવાના પ્રિયંકાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ શિખરો સર કર્યાઃ માઉન્ટ એવરેસ્ટ (૮,૮૪૮ મીટર), માઉન્ટ અન્નપૂર્ણા (૮,૦૯૧ મીટર), માઉન્ટ કાંચનજંઘા (૮,૫૮૬ મીટર), માઉન્ટ લાહોત્સે (૮,૫૧૬ મીટર).ss2kp