હિમાચલનું સૌંદર્ય કરીના કપૂરના મનમાં વસી ગયું છે
મુંબઈ: બોલિવુડની ડીવા કરીના કપૂર ખાન અને દીકરા તૈમૂરે ધર્મશાલામાં શિયાળાનું સ્વાગત કર્યું છે. સૈફ અલી ખાન ફિલ્મના શૂટિંગ માટે ધર્મશાલામાં હતો ત્યારે દિવાળી પહેલા કરીના અને તૈમૂર પણ ત્યાં પહોંચ્યા હતા.
કરીના દર થોડા દિવસે તેમના હિલસ્ટેશન પરના વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહી છે. ત્યારે આજે કરીના કપૂર ખાને હિમાચલપ્રદેશના પાલમપુરથી ફેમિલી ફોટો શેર કર્યો છે. તસવીરમાં જોઈ શકો છો કે, સૈફ-કરીના અને તૈમૂર સ્ટાઈલિશ વિન્ટર વેરમાં સ્ટાઈલિશ દેખાઈ રહ્યા છે.
ઠંડા વાતાવરણ સામે રક્ષણ મેળવવા તૈમૂર અલી ખાને માથા પર ટોપી પહેરી છે અને એકદમ ક્યૂટ લાગે છે. પ્રેગ્નેન્ટ કરીના કપૂરના હાથમાં ચા કે કોફીનો કપ જોઈ શકાય છે. ગ્રે સ્વેટરમાં સૈફ અલી ખાન સ્ટાઈલિશ લાગી રહ્યો છે. આ ઉપરાંત કરીના કપૂર ખાને એક સેલ્ફી પણ પોસ્ટ કરી હતી. જેમાં તેના હોઠ પર પિંક લિપસ્ટિક દેખાઈ રહી છે.
કરીનાએ આ સેલ્ફી શેર કરતાં લખ્યું, ‘પિંક ઈન પાલમપુર. કરીનાની આ સેલ્ફી પર બહેન રિદ્ધિમા કપૂર સહાની અને બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરાએ પ્રેમ વરસાવ્યો છે. ઉપરાંત કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધર્મશાલાના રિસોર્ટના સ્ટાફ સાથે તસવીર શેર કરી છે. સાથે જ તેમનું રોકાણ યાદગાર બનાવવા માટે રિસોર્ટનો આભાર માન્યો છે.
હિમાચલના ખોળે રજાઓ માણી રહેલી કરીના કપૂરે પાલમપુરની એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં હરિયાળી અને પર્વતો જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું, અતુલ્ય ભારત. ધર્મશાલામાં સૈફ અલી ખાન શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યારે કરીના અને તૈમૂરે માટીના વાસણ બનાવતા શીખવાની મજા લીધી હતી.
જેની તસવીરો અને વિડીયો કરીનાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા હતા. કરીનાએ વિડીયો શેર કરતાં લખ્યું હતું, પોટ, પોટ, પોટ્રી નાનકડા વ્યક્તિ સાથે. ધર્મકોટ સ્ટુડિયો તમારી વસ્તુઓ કમાલની છે.
મહત્વનું છે કે, સૈફ અલી ખાન ફિલ્મ ભૂત પોલીસનું ધર્મશાલામાં શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેક્લીન ફનાર્ન્ડિઝ પણ છે. ફિલ્મની કાસ્ટ સાથે સૈફ-કરીનાએ ધર્મશાલામાં દિવાળી ઉજવી હતી. અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ અને કરીનાની બેસ્ટફ્રેન્ડ મલાઈકા અરોરા પણ અહીં દિવાળી ઉજવવા આવી હતી. તહેવારો પૂરા થયા બાદ મલાઈકા મુંબઈ પરત ફરી હતી.