Western Times News

Gujarati News

હિરેન પટેલની હત્યા કેસમાં સંડોવાયેલ કોઇને છોડાશે નહી

ગાંધીનગર, ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે કોઇ પણ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહી આવે. દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. પટેલના પરિવારજનોને ફરી મળ્યા હતા. જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેશ પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે જાડેજાએ આજે ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. તે બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર અમિત વિશ્વકર્મા, એટીએસના હિમાંશુ શુક્લા, નાયબ પોલીસ મહા નિરીક્ષક એમએસ ભરાડા, પોલીસ અધીક્ષક હિતેશ જાેયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

બેઠક બાદ એક નિવેદનમાં જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રીયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. અત્રે યાદ અપાવવાનું જરૂરી છે કે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેકનિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.