હિસ્ટ્રીશીટર્સના ઘરની પોલીસ ટીમે તલાશી લીધીઃ નંબર પ્લેટ વગરના વાહનો પણ જપ્ત કર્યા
ડબલ મર્ડર બાદ પોલીસ એલર્ટ ઃ ગોમતીપુરમાં કોમ્બિંગ
(એજન્સી)અમદાવાદ, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ અમદાવાદના પોલીસ વિભાગમાં બન્યો છે. જુહાપુરા અને ગોમતીપુરમાં ર૪ કલાકમાં હત્યાના ત્રણ બનાવથી પોલીસ વિભાગ હચમચી ગયો હતો. ત્યારબાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ ખરાબ થાય નહીં તે માટે પોલીસે મોડી રાતે કોમ્બિંગ શરૂ કરી દીધું હતું.
પોલીસે છરી, ખંજર, તલવાર તેમજ ઘાતક હથિયાર લઈને ફરતા અનેક ગુનેગારોને ઝડપી લીધા છે. પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. જુહાપુરા તેમજ ગોમતીપુરમાં બનેલી હત્યાના પ્રત્યાઘાત પડે તે વાત નકારી શકાતી નથી જેના કારણે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ના થાય તેની સંપૂર્ણ જવાબદારી પોલીસના શિરે રહેલી છે. શહેરના જુહાપુરામાં ગેંગવોરમાં હત્યા થઈ હતી જ્યારે ગોમતીપુરમાં બે યુવકોની જાહેરમાં હત્યા થઈ હતી. ર૪ કલાકમાં ત્રણ હત્યા થતાંની સાથે જ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા હતા. કાયદો-વ્યવસ્થા પર સવાલ ઊભા થતાંની સાથે જ પોલીસની ટીમ મેદાનમાં ઉતરી હતી.
મોડી રાતે પોલીસે ગોમતીપુરને છાવણીમાં ફેરવી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચના દસ પીઆઈ સહિત ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ ગોમતીપુર પોલીસની ટીમ અને ડીસીપી ઝોન-પની એલસીબીની ટીમ સહિતના પોલીસના કાફલાએ ગોમતીપુરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ગઈકાલે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો, બુટલેગર્સ તેમજ માથાભારે તત્ત્વોના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
જ્યારે ઠેર-ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું હતું. આ સાથે નંબર પ્લેટ વગરના વાહનો પણ જપ્ત કર્યા હતા. ગોમતીપુર સિવાય શહેરના અન્ય પોલીસોએ પણ તેમના વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું છે કે, ક્રાઈમ બ્રાન્ચની ૧૦ ટીમોએ ગોમતીપુરમાં કોમ્બિંગ કર્યું હતું.
સમાજમાં શાંતિ રહે તે માટે પોલીસ કમિશનર કેટલાક માથાભારે ગુનેગારો, હિસ્ટ્રીશીટર સહિતના લોકોને તડીપાર કરતી હોય છે. પોલીસ કમિશનરે તડીપાર કર્યા હોવા છતાંય કેટલાક લોકો બિનદાસ્ત તેમના વિસ્તારમાં રહે છે. જેના કારણે શાંતિનો માહોલ ડહોળાઈ શકે છે.
ગઈકાલે ગોમતીપુર પોલીસે તડીપાર થયેલા શાહનવાઝ ઉર્ફે ફૈઝલ સંઘી, અલ્લારખા ઉર્ફે ઈમરાન શેખ, સૂરજ ઉર્ફે ટકલો દિવાકર સહિતના માથાભારે તત્ત્વોને ઝડપી પાડયા છે અને તેમના વિરૂદ્ધ પોલીસ કમિશનરના આદેશ ભંગની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
નશો કર્યા બાદ વધુને વધુ ગુના થતાં હોવાનું અનેક વખત સામે આવ્યું છે. ગઈકાલે ગોમતીપુરના થયેલા ડબલ મર્ડરના કિસ્સામાં પણ ક્યાંકને ક્યાંક નશાનો મુદ્દો જવાબદાર હતો. નશો કર્યા બાદ નશેડીઓ નાની-નાની બાબતમાં હુમલા કરતા હોય છે જેના કારણે પોલીસે ગઈકાલે દારૂડિયાઓને પણ ઝડપી લેવાનું શરૂ કર્યું હતું. પોલીસની ટીમે સંખ્યાબંધ દારૂડિયાઓને ઝડપી પાડયા છે. આ સાથે હથિયાર લઈને ફરતા માથાભારે તત્ત્વોને પણ ઝડપી પાડયા છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, વિષ્ણુ સોલંકી નામનો શખ્સ ગોમતીપુર પાસે એક હથિયારક લઈને ઊભો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક વિષ્ણુ સોલંકી પાસે પહોંચી ગઈ હતી અને તેની અંગજડતી કરી હતી
જેમાં તેની પાસેથી એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે વિષ્ણુ સોલંકીની ધરપકડ કરીને આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી જેમાં તેણે કબૂલાત કરી હતી કે એક વર્ષ પહેલાં તેણે સાનુ નામના યુવક પાસેથી આ હથિયાર ખરીદયું હતું તે હથિયારનો કોઈ ગુનામાં ઉપયોગ કરે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે.