હીરાપુર ચોકડી પાસે જયરામસિધ્ધ હનુમાન મંદિર ખાતે પદયાત્રિઓ માટે ખીચડી-કઢીની પ્રસાદીનું આયોજન
અમદાવાદ, શ્રી ગ્રહપીડા નાશક હનુમાનજી મંદિર રામરોટી કેન્દ્ર કાલુપુરની પ્રેરણાથી તથા ભંડેરી પોળ સેવા સમિતિના સહકારથી છેલ્લા ૨૬ વર્ષથી ફાગણ સુદ પૂનમે ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયના દર્શને પગપાળા જતા પદ યાત્રિઓ માટે હીરાપુર ચોકડી ખાતે આવેલ શ્રી જયરામસિધ્ધ હનુમાનજી મંદિર પાસે પ્રસાદી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
શ્રી ગ્રહપીડા નાશક હનુમાનજી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અવધબિહારી દાસજી મહારાજે જણાવ્યું છે કે આ પ્રસાદી કેમ્પનો શુભારંભ ફાગણસુદ-એકાદશી તા.૬-૩-૨૦૨૦ના સવારે ૯-૩૦ મહંત શીવરામદાસજી મહારાજ (સરયુ મંદિર પ્રેમદરવાજા)ના હસ્તે કરાવવામાં આવશે. પ્રસાદીમાં પદયાત્રી ભક્ત વત્સલ ભગવાનને પ્રિય એવી ચોખ્ખા ઘીની ખીચડી કઢી પીરસવામાં આવશે. એકાદશીના ફરાળ અને ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે.
આ ઉપરાંત પદયાત્રીઓ માટે ક્રીએટીવ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેશમબાઇ હોસ્પિટલના ડો.હસમુખભાઇ અગ્રવાલ દ્વારા પદયાત્રિઓ માટે તબિબી સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. ટ્રસ્ટી દ્વારા અતીતના આશીર્વાદ સેવા ટ્રસ્ટ દ્વારા આપણું ઘર વૃધ્ધાશ્રમમાં દરરોજ સવારે ૬ થી સાંજે ૬ સુધી રામધૂન તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.