હીરા ઉદ્યોગ ક્ષેત્રે મહિલા રત્ન કલાકાર બની ‘આત્મનિર્ભર’
અમદાવાદ, ગામડાઓમાં હીરા ઉદ્યોગનો ગૃહ ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે અને તેમાં મહિલાઓ નોંધપાત્ર પ્રમાણમાં આ ક્ષેત્રે આગળ વધી છે. પરંતુ ગામડાઓમાં વિકસિત થયેલો આ ગૃહ ઉદ્યોગ અમદાવાદ શહેર સુધી વિસ્તરી ચુક્યો છે.
અમદાવાદ અને સુરત સહિત મોટા શહેરોમાં હીરા ઘસવાના ક્ષેત્રે મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે માટે ખાસ કરીને લોકડાઉનના સમયમાં મોટી સંખ્યામાં આ ક્ષેત્રે મહિલાઓ આગળ આવી છે અને રોજગારી મેળવીને આત્મનિર્ભર બની રહી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં હીરા ઉદ્યોગ આર્થિક કરોડરજ્જુ સમાન ગણાય છે. તેમાં લોકડાઉન બાદ મહિલાઓની ભાગીદારી વધી છે. મહિલાઓ હીરા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગની જેમ અપનાવી તેમાંથી રોજી રોટી રળી રહી છે. લોકડાઉન કે તેની પછીના મંદીના માહોલમાં પણ મહિલા રત્ન કલાકાર પોતાની ક્ષમતા મુજબ મહિને રૂ.૫,૦૦૦થી રૂ.૧૫,૦૦૦ કમાઇ શકે છે.
લોકડાઉન પછીના સમયગાળા દરમિયાન મહિલા રત્ન કલાકારોની સંખ્યા વધી ગઇ છે. કોરોનાના સમયગાળા બાદ ખાસ કરીને ગામડાઓમાં રોજગારીની સમસ્યા સર્જાતા હીરા ઉદ્યોગ મહિલાઓ અને તેમના પરિવાર માટે સંકટ સમયનો સાથી બની ગયો છે.
આ ઉદ્યોગમાં કાર્યરત બહેનો પોતાના ઘરનું કામ નિયમિત કરીને પછીના સમયમાં હીરામાંથી પૈસાની કમાણી કરી શકે છે. આ ઉદ્યોગ માટે કોઇ વધારાની વીજળી, વધારાનું પાણી કે વધારાની જગ્યાની જરૂર રહેતી નથી. આથી આ ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે.
લોકડાઉન બાદ શહેરોમાં કેટલાક ક્ષેત્રોમાં રોજગારી ઠપ થતાં પરિવાર સાથે બહેનો હીરા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગની જેમ અપનાવી કમાણી કરતા થઇ ગયા હોય આ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રે બહેનોની ભાગીદારી વધી છે. કોઇ પણ ક્ષેત્રમાં રોજગારી મેળવવી હોય તો વિશેષ અભ્યાસ કે ડિગ્રીની જરૂર રહે છે, પરંતુ ડાયમંડનો ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે જેમાં કોઇ વિશેષ ડિગ્રી કે અભ્યાસની જરૂર રહેતી નથી. સાથે કોઇ વિશેષ જગ્યાની પણ જરૂર નથી તેવું મહિલા રત્ન કલાકારોનું કહેવું છે.