હીરા વેપારીના ચોરીના મામલે CCTV સામે આવ્યા
સુરત: સુરતમાં સતત ચોરીની ઘટના બની રહી છે. શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ ખરેખરે દંગ કરી દે તેવા છે. જેમાં એક હીરા દલાલી કરતા વેપારીના ખિસ્સામાંથી રોકડની ચોરી કરી લેવામાં આવે છે. આ માટે ગઠિયાઓએ ખાસ યુક્તિ અજમાવી હતી. સુરતના હીરા બજારમાં હીરાની દલાલી કરતા હીરા વેપારીનો પહેલા ગઠિયાઓએ પીછો કર્યો હતો. બાદમાં ખિસ્સામાંથી રોકડા સેરવી લીધા હતા. સુરતમાં અજીબ ચોરીની ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. જેમાં ગઠિયાઓએ એવી રીતે પૈસાની ચોરી કરી લીધી હતી કે ભલભલા માથું ખંજવાળે.
અહીં તસ્કરોએ ફિલ્મી સ્ટાઇલમાં ચોરી કરી હતી. અડાજણ પાલ રોડ પર એલ.પી. સવાણી સ્કૂલની બાજુમાં સમ્રાટ કેમ્પસમાં રહેતા બળવંતભાઇ મગનભાઇ પટેલ સુરત શહેરના મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરે છે. ગત ૨૩ જુલાઈના રોજ તેઓ કામ અર્થે મહિધરપુરા હીરા બજારમાં ગયા હતા. આ દરમિયાન તેઓ હીરા બજાર એલબી રસ્તાથી અમિષા ચાર રસ્તા તરફ જતા ભોલે ચણા સેન્ટર પાસે ઊભા હતા.
આ દરમિયાન એક સફેદ કલરની એક્ટિવા પર બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. જાેકે, એક વ્યક્તિ પહેલેથી જ હીરા દલાલનો પીછો કરી રહ્યો હતો. હીરા દલાલ ચાલીને જઈ રહ્યા હોય છે ત્યારે સામેથી એક મોપેડ ચાલક તેમની વચ્ચે ગાડી ફસાવી દીધી હતી. આ દરમિયાન જ તેમનો પીછો કરી રહેલો શખ્સ તેમના ખિસ્સમાંથી રોકડા સેરવી લે છે. હીરા દલાલનું સંપૂર્ણ ધ્યાન મોપેડ ફસાવનાર યુવક તરફ હોય છે.
આ તકનો ગેરલાભ તેમનો પીછો કરી રહેલો વ્યક્તિ ઉઠાવે છે. જે બાદમાં તે વ્યક્તિ રોડ પર એક્ટિવા લઈને ઉભા રહેલા બે વ્યક્તિઓ સાથે નાસી જાય છે. આ મામલે હીરા દલાલને ખબર પડતા તેમણે તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ આપી હતી. હીરા દલાલ સાથે બનેલી આ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.