હીરા વેપારીને ૨.૫૫ કરોડનો ચુનો ચોપડનારો ઝડપાયો
સુરત: વરાછા હીરાબાગ ખાતે મેક્સ એન્ટરપ્રાઇઝના નામથી હીરાની ભાગીદારી પેઢી ચલાવતા અને પાછલા ૩૦ વર્ષથી હીરાનું મેન્યુફેક્ચરીંગ કરતા વેપારીનો વિશ્વાસ ભરોસો કેળવી લઇ માનગઢ ચોક ડાયમંડ વર્લ્ડમાં દુકાન ધરાવતા હીરા વેપારીએ પોતે હીરાના મોટા વેપારી હોવાની ઓળખ આપી રૂ.૨.૫૫ કરોડના હીરા લઇ ગયા બાદ વેપારી દુકાન બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે વરાછા પોલીસ સ્ટેશન ઉપરાંત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મળી કુલ ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનાની તપાસ કરતી ઇકો સેલ પોલીસે તનસુખ વાણીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુળ જામ બરવાળા તા.બાબરા, જી.અમરેલીના વતની અને હાલ (ઘર નં.૧૧ પુર્વી સોસાયટી, વિભાગ-૧, શેરી નં.૧, હીરાબાગ વરાછા રોડ) ખાતે રહેતા મગન કરશન વેકરીયા હિરાબાગ સહજાનંદ કોમ્પલેક્ષમાં બીજા માળે મેક્સ એન્ટરપ્રાઇઝના નામથી હીરાની ભાગીદારી પેઢી ચલાવે છે. દરમિયાન દલાલ સુરેશ બાબુ ચોડવડીયા મારફતે વર્ષ ૨૦૧૯માં તેઓ તનસુખ માધા વાણીયા (રહે. પ્રમુખ આરણ્ય રેસીડેન્સી, ગોડાદરા)ના સંપર્કમાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિનામાં તનસુખ વાણીયાએ પોતે તૈયાર હીરા તેમજ કટ એન્ડ પોલીશ્ડ હીરાનો લે-વેચનો વેપાર કરતા હોવાનું મગન વેકરીયાને વાત કરી હતી.
તમે અમારી સાથે કામ કરશો તો અમે તમને સમયસર પેમેન્ટ ચુકવી આપીશું. આપણો વેપાર ઘણો લાંબો ચાલશે’ તેવી લોભામણી વાત કર્યા બાદ તનસુખ વાણીયાએ વિતેલા એક વર્ષના સમયગાળામાં વેપારી મગન વેકરીયા રૂ.૨.૫૫ કરોડના ૨૬૬.૧૬ કેરેટ, ૭૩.૬૦ કેરેટ, ૧૧૬.૯૪ કેરેટ અને ૧૯૪.૦૧ કેરેટના હીરા લીધા હતા. તેનું પેમેન્ટ ૭૨ થી૭૫ દિવસમાં ચુકવી આપવાનું જણાવ્યું હતું. જાેકે લોકડાઉન દરમિયાન પેમેન્ટની માંગણી કરતા ૨૦ લાખનો ચેક આપ્યો હતો. જાેકે ચેક ર્રિટન થયો હતો. તનસુખ વાણીયા દુકાન બંધ કરીને ફરાર થઇ ગયો હોય છેતરપિંડીનો ભોગ બનેલા હીરા વેપારી મગન વેકરીયાએ કાપોદ્રા પોલીસ મથકે તેની વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ મામલે ઇકો સેલ દ્વારા તપાસ ચાલી રહી હતી.