હું ઓછું બોલ્યો અને કામ વધારે કર્યું; મોદી સરકારનો રાષ્ટ્રવાદ નકલી: પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

નવીદિલ્હી, દેશનાં ૫ રાજ્યમાં શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે પણ એન્ટ્રી લઈ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અબોહર રેલી પહેલાં મનમોહન સિંહે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે મોદી સરકારનો રાષ્ટ્રવાદ નકલી છે, જે અંગ્રેજાેની ‘ફૂટ પાડો અને રાજ કરો’ની નીતિ પર ચાલે છે.
ડૉ. સિંહે કેન્દ્ર સરકાર પર ચીન મુદ્દે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે એક વર્ષથી ચીનની સેના ભારતની પવિત્ર જમીન પર બેઠી છે. આ સરકારને બંધારણ પર વિશ્વાસ નથી. બંધારણીય સંસ્થાઓને સતત નબળી પાડવામાં આવી રહી છે. સરકાર દેશની અંદર જ નહીં, પરંતુ વિદેશ નીતિમાં પણ નિષ્ફળ છે.
આજે દેશની સ્થિતિ ચિંતાજનક છે. કોરોના દરમિયાન કેન્દ્ર સરકારની ખોટી નીતિઓને કારણે દેશની અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. મોંઘવારી અને બેરોજગારીથી લોકો પરેશાન છે. બીજી બાજુ ૭ વર્ષ સરકાર ચલાવ્યા પછી પણ કેન્દ્ર સરકાર તેમની ભૂલ માનવા તૈયાર નથી.
તેઓ લોકોની સમસ્યાઓ માટે પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુને જવાબદાર માને છે.હું માનું છું કે વડાપ્રધાનપદનું એક ખાસ મહત્ત્વ હોય છે. ઈતિહાસ પર આરોપ લગાવીને આપણા ગુના ઓછા ના કરી શકાય. વડાપ્રધાનપદ પર હતો ત્યારે વધારે બોલવાની જગ્યાએ મેં વધારે કામ કરવાને મહત્ત્વ આપ્યું. અમે રાજકીય લાભ માટે દેશના ટુકડા નથી કર્યા. ક્યારેય સત્ય છુપાવવાનો પ્રયત્ન નથી કર્યો.
ચીનની સેના છેલ્લા એક વર્ષથી આપણી પવિત્ર જમીન પર કબજાે બનાવીને બેઠી છે. આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જૂના મિત્રો છૂટી રહ્યા છે, પડોશી દેશો સાથે પણ સંબંધો ખરાબ થઈ રહ્યા છે. મને આશા છે કે સત્તાધારીઓને સમજાઈ ગયું હશે કે જબરદસ્તી ગળે લાગવાથી, ફેરવવાથી કે બોલાવ્યા વગર બિરયાની ખાવા પહોંચી જવાથી દેશના સંબંધો નથી સુધરતા. સરકારે સમજવું જાેઈએ કે સત્ય કદી સામે આવ્યા વગર રહેતું નથી.
ડૉ. સિંહે કહ્યું હતું કે ચૂંટણીમાં પંજાબની જનતા સામે મોટો પડકાર છે. એને યોગ્ય રીતે ટક્કર આપવી જરૂરી છે. કોંગ્રેસ જ પંજાબના ખેડૂતોમાં ખુશી લાવી શકશે અને બેરોજગારી દૂર કરી શકશે. પંજાબના વોટરોએ આ વિશે ચોક્કસ ધ્યાન રાખવું જાેઈએ.
પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે ભારત આજે એક મહત્ત્વના વળાંક પર છે. મારી બહુ ઈચ્છા છે કે પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા અને મણિપુરનાં ભાઈ-બહેનોની સાથે દેશ અને રાજ્યની સ્થિતિ વિશે ચર્ચા કરું, પરંતુ ડોક્ટરની સલાહને કારણે મારે બધાની સાથે આ રીતે જ વાત કરવી પડે છે.
થોડા દિવસ પહેલાં પંજાબની સુરક્ષામાં ખામીના નામે પંજાબના સીએમ ચરણજિત ચન્ની અને અહીંના લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જે કોઈ પણ રીતે યોગ્ય ના કરી શકાય. ખેડૂત આંદોલન દરમિયાન પણ પંજાબ અને પંજાબીઓને બદનામ કરાયા. જે પંજાબીઓની દિલદારી, બહાદુરી, દેશભક્તિ અને કુરબાનીને આખી દુનિયા સલામ કરે છે તેમના વિશે સતત જુઠ્ઠાણાં ફેલાવવામાં આવ્યાં.
પંજાબની ધરતી પર જન્મેલા એક સાચા નાગરિક તરીકે મને ખૂબ દુઃખ થયું. આર્થિકતાની કોઈ સમઝ નથી. ખોટી નીતિઓને કારણે દેશ આર્થિક મંદીની ઝપટમાં આવી ગયો છે. ખેડૂત, વેપારી, વિદ્યાર્થીઓ અને મહિલાઓ પરેશાન છે. દેશના અન્નદાતાઓ દાણા-દાણા માટે તડપી રહ્યા છે. દેશમાં સામાજિક અસમાનતા વધી ગઈ છે. લોકોનું દેવું વધી રહ્યું છે અને કમાણી ઘટી રહી છે.
અમીર વધારે અમીર થઈ રહ્યા છે અને ગરીબ વધારે ગરીબ. સરકાર આંકડાઓ સાથે છેતરપિંડી કરીને બધું બરાબર ગણાવી રહ્યા છે. સરકારની નીતિ અને નિયતમાં ખોટ છે. સરકાર તેમનો સ્વાર્થ પૂરો કરવા લોકોમાં જાતિ, ધર્મ અને વિસ્તારના નામે ભાગલા પાડી રહી છે. તેમને અંદર અંદર ઝઘડાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ પર ચલાવી રહી છે.HS