હું કન્નડ ભાષામાં વાત કરીશ તો તમને સમજાશે? ચીફ જસ્ટિસ

પિટિશન્સના દસ્તાવેજાેના અંગ્રેજી અનુવાદ સાથે જ બિડવા એચસીનો આદેશ
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં થતી અનેક અરજીઓમાં ઘણા સમયથી અરજીઓ સાથે જાેડાતા સરકારી દસ્તાવેજ કે અગત્યના કાગળો ગુજરાતીમાં જ રજૂ કરાય છે.
આ મુદે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવીંદ કુમારે વકીલોને નિર્દેશ આપ્યો છે કે તમામ પેપર્સ અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરીને અરજી સાથે જાેડો. જેથી હાઈકોર્ટને તકલીફ પડે નહીં. જાે વકીલો કોર્ટમાં ગુજરાતી ભાષામાં કાગળ કે દસ્તાવેજ રજુ કરશે, તો અમને કેવી રીતે સમજાશે ? જાે હું તમારી સાથે કન્નડ ભાષામાં વાતચીત કરૂ તો તમને સમજાશે ખરું ?
હાઈકોર્ટની કાર્યવાહી સરળતાથી થાય તે હેતુથી તમામ પેપર્સ અંગ્રેજીમાં રજૂ કરો તે હિતાવહ છે. જેથી, હાઈકોર્ટનો સમય પણ બચશે. આ મુદે રજીસ્ટ્રીએ સરકયુલર બહાર પાડીને દરેક વકીલોને સુચના આપી છે કે, ચીફ જસ્ટીસની કોર્ટમાં તમામ પેપર્સ અંગ્રેજીમાં રજુ કરો.
મહત્વનું છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટીસની માતૃભાષા કન્નડ છે. અને તેઓ સ્વાભાવિક રીતે જ ગુજરાતી ભાષાથી અજાણ છે. સામાન્ય રીતે હાઈકોર્ટની સમગ્ર કાર્યવાહી અંગ્રેજી ભાષામાં જ થાય છે. ભૂતકાળમાં જસ્ટીસ જે.બી. પારડીવાલાએ એક કેસની સુનાવણી સમયે વકીલને ટકોર કરેલી કે વકીલાતની પ્રેકટીસ કરતા દરેક વકીલને અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જરૂરી છે. અંગ્રેજી ભાષાની જાણકારી હશે નહી તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ કેવી રીતે વાંચી શકશો ?