હું કોઈનો સફાયો કરવા નથી આવ્યો : ભાજપ નેતા વજુભાઈ વાળા
રાજકોટ: ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નીડર નેતા ગણાવ્યું છે, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે ત્યારે સીએમ સાથેની મુલાકાત બાદ વજુભાઈ વાળાએ નિવેદન આપતા જણાવ્યું કે વિજય રૂપાણી નીડર નેતા છે, મારા તેમને આશીર્વાદ છે.એ યાદ રહે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે વજુભાઇવાળાની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ લીધા હતાં.
વધુમાં તેમણે જણાવ્યું કે હું કોઈનો સફાયો કરવા નથી આવ્યો, અને ભાજપની માનસિકતા નકારાત્મક નથી. વજુભાઈ વાળાએ એમ પણ કહ્યું કે પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવ્યું તે નિષ્ઠાથી કરવું એ જ ભાજપની વિચારધારા છે. મહત્વનું છે કે વજુભાઈ વાળાને વિજય ભાઈના સારથી બનશો કે કેમ તે અંગે સવાલ કરતા તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો.
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લાંબા સમયનાં વિરામ બાદ કર્નાટકના પૂર્વ રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની રાજ્યની રાજનીતિમાં ફરીવાર એન્ટ્રી થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં ભાજપ માટે કુશળ રણનીતિકાર સંગઠન પણ કામે લાગી ગયું છે. વજુભાઈ વાળા પોતે પણ સંગઠનમાં કામ કરવા તૈયાર છે તેવું તેમના નિવદન પરથી લાગી રહ્યું છે.
આ અગાઉ પણ વજુભાઈ વાળાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને મોટું નિવેદન સામે આવ્યું હતું. વજુભાઈએ કહ્યું પાર્ટીનાં કાર્યકર્તાને સમયમર્યાદા હોતી જ નથી, પાર્ટી જેમ નક્કી કરે તે પ્રકારે કામ કરે. વિજય રૂપાણીનાં વખાણ કરતાં કહ્યું કે તેમનો કોઈ વિરોધ નથી અને કોઈ એવો બનાવ નથી બન્યો કે તેમણે કોઈ કાર્યકર્તાને તરછોડ્યો હોય રૂપાણીને મારા કરતાં પણ વિદ્યાર્થી પરિષદ તરીકે સંગઠનનો વધુ અનુભવ છે. પરતું વિજય ભાઈના સારથી બનશો કે કેમ તેવા સવાલનો જવાબ વજુભાઈએ ટાળ્યો જેને લઈ અનેક અટકળો વહેતી થઈ છે.