હું તેનો માલિક નથી, સાથી છું : ઓલરાઉન્ડર ઈરફાન
મારી પત્નીને પોતાની પસંદથી તસવીરમાં પોતાનો ચહેરો બ્લર કર્યો છે અને હા, હું તેનો માલિક નથી, તેનો સાથી છું
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પુર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ફરી એક વાર પત્ની સફા બેગના કારણે ચર્ચામાં આવી ગયા છે. ઈરફાન પઠાણની પત્નીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ત્યારબાદ અનેક યૂઝર્સ તેમની ટીકા કરી રહ્યા છે. મૂળે, ઈરફાન પઠાણની પત્ની વાયરલ થયેલી તસવીરમાં તેમનો ચહેરો બ્લર કરેલો જાેવા મળી રહ્યો છે. આ વાતને લઈને કેટલાક લોકો ઈરફાન પઠાણ પર સવાલ ઊભા કરી રહ્યા છે.
ઈરફાન પઠાણને લોકોએ બરાબરીની સલાહ આપી દીધી, ત્યારબાદ આ પૂર્વ ક્રિકેટરને તેમના ટીકાકારોને જવાબ આપવો પડ્યો. ઈરફાન પઠાણે તે તસવીરને ટ્વીટ કરી લખ્યું કે, આ તસવીર મારી રાણી (વાઇફ)એ મારા દીકરાના એકાઉન્ટથી પોસ્ટ કરી છે. તસવીરને લઈને અમારી તરફ ઘૃણા દાખવવામાં આવી છે. મને આ તસવીરને અહીં પણ પોસ્ટ કરવા દો. મારી પત્નીને પોતાની પસંદથી આ તસવીરમાં પોતાનો ચહેરો બ્લર કર્યો છે. અને હા, ‘હું તેનો માલિક નથી, તેનો સાથી છું.
નોંધનીય છે કે, ઈરફાન પઠાણ અનેકવાર પોતાની પત્નીની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરે છે પરંતુ હંમેશા તેમનો ચહેરો છુપાયેલો રહે છે. હાલમાં પઠાણ પોતાની પત્ની સાથે ફરવા રશિયા ગયા હતા, ત્યાં પણ દરેક તસવીરમાં પત્નીનો ચહેરો ઢંકાયેલો હતો. ઈરફાન પઠાણે વર્ષ ૨૦૧૬માં સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. જે જેદ્દામાં મોડલિંગ કરતી હતી
પરંતુ પઠાણ સાથે લગ્ન થયા બાદ તેણે મોડલિંગ છોડી દીધું. નોંધનીય છે કે બંનેને એક દીકરો છે જેનું નામ ઈમરાન પઠાણ છે. હાલના દિવસોમાં ઈરફાન પઠાણ પોતાના મોટા ભાઈ યુસુફ પઠાણની સાથે કોવિડ-૧૯થી પીડિત લોકોની મદદ કરી રહ્યા છે. ઈરફાન પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી થતી કમાણીને દાનમાં આપવાનો ર્નિણય કર્યો છે. બીજી તરફ ઓક્સિજનની અછત સામે સંઘર્ષ કરી રહેલા પીડિતોને ઓક્સિજન સિલિન્ડર અને કન્સનટ્રેટર પણ પૂરા પાડી રહ્યા છે.