હું તો પાવાગઢ માતાજીના દર્શને આવ્યો હતો : કેસરીસિંહ

પંચમહાલ: ખેડાના માતરના ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી અને સાત મહિલાઓ સહિત કુલ ૨૬ વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં રંગે હાથ પંચમહાલ એલસીબીએ ઝડપી લીધા છે.પોલીસે ૩.૮૦ લાખ રોકડા,૧.૧૫ કરોડની આઠ ગાડીઓ અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો છે.ઉલ્લેખનીય છેકે જુગારની મહેફિલ માણતા ઝડપાયેલા ધારાસભ્ય એક તબક્કે મીડિયાના કેમેરા સામે મોઢું છુપાવવાનો પ્રયાસ કર્યો હતો
પરંતુ વહેલી સવારે પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે પત્રકારોએ દરોડા અંગે સવાલ પૂછતા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પોતાના બચાવમાં નિવેદન આપ્યું હતું. આ દરોડામાં પોલીસે ૭ મહિલાઓ સહિત ૨૬ને ઝડપી પાડ્યા હતા. રિસોર્ટમાં કેસીનો જેવી મહેફિલ યોજાઈ હતી પોલીસને પ્લેઇંગ કાર્ડ સાથે કોઇન પણ મળી આવ્યા હતા.
પોલીસે રાતભર કરેલી કાર્યવાહી બાદ સવારે તમામને પાવાગઢ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ પણ આ મહેફિલમાંથી ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. જાેકે, કેસરીસિંહે પોતાના બચવામાં કહ્યું કે હું તો પાવાગઢ માતાજીના દર્શને આવ્યો હતો અને રાતે અહીંયા રિસોર્ટમા આવ્યો, હું બહાર ઉભો હતો એટલામાં પોલીસ આવી એમાં સંડોવાઈ ગયો. હું તો દારૂ પીતો જ નથી જાેકે, પોલીસે કેસરીસિંહ રમતાં ઝડપાયા કે દરોડામાં આડકતરી રીતે ઝડપાયા તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી.
બનાવની વિગતો એવી છે કે પંચમહાલ જિલ્લાના હાલોલના શિવરાજપૂર ખાતે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પંચમહાલ એલસીબીને મળી હતી. જે આધારે એલસીબી અને પાવાગઢ પોલીસે રિસોર્ટ ખાતે ગુરુવારની મોડી સાંજે છાપો માર્યો હતો.દરમિયાન રિસોર્ટના એક રૂમમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી ,સાત મહિલાઓ અને અન્ય નબીરાઓ મળી કુલ ૨૬ વ્યક્તિઓ મળી આવ્યા હતા.