હું નૃત્ય કરી અને શિવાંજલિ આપવા માંગતી હતી, સોમનાથ દાદાના ચરણોમાં આવતા જ મારા પગ થંભી ગયા: તમિલ દર્શનાર્થી
કાશી-તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લાભ મળ્યો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર – સુશ્રી સૂર્યપ્રભા
ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર તમિલ સંગમના બીજા દિવસે સંધ્યા આરતીના દર્શનાર્થે પધારેલા તમિલ બાંધવાનો “જય સોમનાથ”ના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું. તમિલનાડુના ચેન્નાઈથી આવેલા અને મદ્રાસ હાઈકોર્ટ ખાતે ફરજ બજાવતી સુશ્રી સૂર્યપ્રભા પણ આ દર્શનાર્થીઓમાંના એક હતાં.
અગાઉ કાશી-તમિલ સંગમમ કાર્યક્રમમાં કાશીની મુલાકાતે જઈ આવ્યા છે તેવા શ્રી સૂર્યપ્રભા શિવભક્ત છે અને તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્ય પણ કરે છે. તેઓ પગમાં પારંપારિક ઝાંઝર પહેરીને આવ્યા હતાં અને ભગવાન સોમનાથના સાંનિધ્યમાં નૃત્ય કરી શિવાંજલિ આપવા માંગતા હતાં.
તેમણે જણાવ્યું કે, હું અગાઉ કાશી-તમિલ સંગમમનો ભાગ હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાયેલા સોરાષ્ટ્ર-તમિલ સંગમનો ભાગ બનવાનો અવસર મળ્યો તે બદલ તેમનો આભાર માનું છું.
હું સોમનાથ દાદાના સાનિધ્યમાં નૃત્ય કરવા માંગતી હતી પરંતુ શિવાલયમાં પ્રવેશતાની સાથે જ જે દિવ્યતા અનુભવાઈ, જાણે મારા પગ થંભી ગયાં. આ સુંદર આયોજન બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર.
શ્રી સૂર્યપ્રભા મદ્રાસ હાઈકોર્ટમાં કામ કરે છે અને સાથે લીગલ-સોશિયલ રિસર્ચર તરીકે સંશોધનકાર્યમાં પણ જોડાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું.