“હું પાંચ વર્ષની હતી ત્યારે સૌપ્રથમ રંગમંચ પર કામ કર્યું હતું”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, “હું પાંચ વર્ષની હતી ત્યારે સૌપ્રથમ રંગમંચ પર કામ કર્યું હતું અને આ રીતે મારો પ્રવાસ શરૂ થયો હતો. રંગમંચે મને એવા મૂલ્યવાન બોધ આપ્યા છે કે બહેતર કલાકાર બનવામાં મને મદદ થઈ છે અને મનોરંજન ઉદ્યોગમાં સફળ થવાનો આત્મવિશ્વાસ આપ્યો છે.
રંગમંચ સાથે મારા પ્રવાસમાં મેં અમુક દંતકથા સમાન કલાકારો, જેમ કે, એમ. એસ. સથ્યુ, સૌરભ શુક્લા, મનોજ જોશી, હેમા સિંહ અને અન્યો સાથે કામ કર્યું છે. મારા રંગમંચના દિવસોમાંથી મને ઘણી બધી શીખ મળી છે, પરંતુ સૌથી મુખ્ય શીખ એ મળી છે કે “ધ શો મસ્ટ ગો ઓન.” સ્થિતિ ગમે તેવી હોયતો પણ શો શરૂ થયા પછી તે તાલતો રહેવો જોઈએ.
રંગમંચમાં બીજો મોકો હોતો નથી, કારણ કે તેમાં રિટેક હોતા નથી. સિનેમા અને ટેલિવિઝન દિગ્દર્શિત માધ્યમ છે, જ્યારે રંગમંચ કલાકારનું માધ્યમ છે. નાટક શરૂ થયા પછી તમને દિગ્દર્શિત કરવાવાળું કોઈ હોતું નથી. જો તમે નાની ભૂલ પણ કરો તો તમારે તે ઢાંકી દેવી પડે છે.
હું માનું છું કે રંગમંચ સૌથી મુશ્કેલ માધ્યમ છે, કારણ કે તે દર્શકો સાથે સીધું ઈન્ટરએકશન કરાવે છે અને તુરંત પ્રતિસાદ મળે છે, જે તમને કલાકાર તરીકે આત્મવિશ્વાસ આપે છે. રંગમંચે કલાકાર તરીકે મારા પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મને રંગમંચની ભરપૂર ખોટ સાલે છે, પરંતુ ભવિષ્યમાં જો મને તક મળે તો હું ફરીથી રંગમંચ પર જઈશ અને અમુક ઉત્તમ શોનો હિસ્સો બનીશ.”