હું પોતાને હવે વધુ પાવરફુલ અનુભવું છું : રાષ્ટ્રપતિ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસના ફિઝિશયને આ વાતની પુષ્ટિ કરી છે. તેની સાથે જ કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ચૂકેલા ટ્રમ્પે ચૂંટણી અભિયાન ફરીથી શરૂ કરી દીધું છે. તેઓ ફ્લોરિડામાં રેલી કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને ૨૨ દિવસની વાર છે ત્યારે ફ્લોરિડા રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું કે હું પહેલા કરતા પણ મારી જાતને વધારે પાવરફુલ સમજુ છું. હું કોરોનામાંથી પસાર થયો અને હવે તેઓ મને કહે છે કે હું ઇમ્યુન થઈ ગયો છું. ટ્રમ્પે પોતાના અંદાજમાં વિશાળ રેલીને સંબોધતા કહ્યું કે, ‘હું ખૂબ જ પાવરફુલ અનુભવું છું. હું તમારા બધાની વચ્ચે આવીશ,
હું તમને દરેકને કિસ પણ આપીશ, પુરુષો અને સુંદર સ્ત્રીઓ બંનેને કિસ કરીશ કારણ કે હું બિલકુલ ઇમ્યુન અનુભવું છું. વ્હાઈટ હાઉસના ફિજિશિયન સીન કોનલેએ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય છે. અને તેમને કોઈ ખતરો નથી. સીને પ્રેસ સેક્રેટરી કાયલે મૈકનેનીને આ વાતની લેખિત જાણકારી આપી હતી. સંક્રમણથી સ્વસ્થ થયા બાદ હવે ટ્રમ્પે ચૂંટણી અભિયાન શરુ કરી દીધુ છે.
સીન કોનલેએ જણાવ્યું કે સતત નેગેટિવ એન્ટીજન ટેસ્ટ, ક્લિનિકલ અને લેબોરેટરી ડેટા, આરએનએ અને પીસીઆર સાયકલના માપની સાથે વાયરસ કલ્ચર ડેટામાં પણ વાયરસ રેપ્લિકેશનની ઉણપ મળી છે. ટ્રમ્પે હાલમાં કોરોના સામે ઈમ્યુનિટિ ડેવલપ કરી લેવાનો દાવો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૩ અઠવાડિયાનો સમય બચ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રતિસ્પર્ધી જો બાઈડેનની પાછળ ઠેલાતા જોવા મળી રહ્યા છે. ત્યારે ટમ્પ જલ્દી સ્વસ્થ થઈ પાછા ચૂંટણી પ્રચાર શરુ કરવાના અને રેલિઓ સંબોધિત કરવા ઈચ્છી રહ્યા છે. ટ્રમ્પ સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે.