હું વનડેની કપ્તાની કરવા માગતો હતો પરંતુ સિલેક્ટર્સે પોતાનો નિર્ણય લીધોઃ વિરાટ કોહલી
નવી દિલ્હી, વિરાટ કોહલીએ વનડે ટીમની કપ્તાનીમાંથી હટાવાયા બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ યોજી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે, તે સાઉથ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે અને તેના વિશે જે સમાચારો ફેલાવાઈ રહ્યા છે તે ખોટા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટે કઈ રીતે તેને વનડેની કપ્તાનીમાંથી દૂર થવાની જાણકારી મળી તે જણાવ્યું હતું.
વિરાટે જણાવ્યું કે, જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી થઈ ત્યાર બાદ સિલેક્ટર્સે કહ્યું હતું કે, તમને (વિરાટને) વનડેની કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ કોઈ વાત નહોતી થઈ.
ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી કે, જ્યારે તેણે ટી-20 કેપ્ટનશીપ છોડી તો તેણે બીસીસીઆઈને જણાવ્યું તેમાં કોઈ ભૂલ નહોતી અને બધાએ તેને સાચી રીતે જ લીધું. મેં સિલેક્ટર્સને જણાવ્યું હતું કે, હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા ઈચ્છીશ પરંતુ સિલેક્ટર્સ કોઈ નિર્ણય લે તો હું તૈયાર છું. સિલેક્ટર્સે બાદમાં જે નિર્ણય લીધો તે સામે જ છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા માટે રવાના થતા પહેલા જ ઝાટકો વાગ્યો છે કારણ કે, રોહિત શર્મા ટેસ્ટ સીરિઝની બહાર થઈ ગયો છે. મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માને ઈજા પહોંચી હતી અને ત્યાર બાદ રોહિતને 3 સપ્તાહનો બ્રેક આપવામાં આવ્યો છે. આશા છે કે, રોહિત શર્મા વનડે સીરિઝ સુધીમાં ફિટ થઈ જાય.