હું હાલ કોરોનાની રસી મૂકાવીશ નહીં: શિવરાજ સિંહ ચૌહાણ
ભોપાલ, દેશમાં જલદી કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થવાનો છે. તે પહેલા જ નેતાઓના નિવેદનો સતત ચાલુ છે. હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ હાલ કોરોનાની રસી મૂકાવશે નહીં. તેમણે કહ્યું કે પહેલા જે ગ્રુપને નક્કી કરાયા છે તેમને રસી મૂકવામાં આવશે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ‘કોરોના રસી અંગે તૈયારીઓ ચાલુ છે. મેં નક્કી કર્યું છે કે રસી હું હાલ મૂકાવીશ નહીં. પહેલા બાકીના લોકોને રસી મૂકાય અને ત્યારબાદ મારો નંબર આવે. જેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમને રસી મૂકાઈ જાય પછી મારો નંબર આવે.’
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ અંગે કેટલીક પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે. જે મુજબ કોરોના રસીને શરૂઆતમાં હેલ્થ વર્કર, પછી ફ્રન્ટલાઈન વર્કર, ૫૦થી વધુ ઉંમરવાળા લોકો અને ગંભીર બીમારીવાળા લોકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રાથમિકતા મુજબ શરૂઆતમાં ૩૦ કરોડ લોકોને રસી લગાવવાની વાત કરી રહી છે.
દેશમાં હાલ બે કોરોના રસીને મંજૂરી અપાઈ ચૂકી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. હવે જલદી દેશવ્યાપી રસીકરણનો પ્રોગ્રામ શરૂ થઈ જશે. જાે કે સતત રસી મૂકાવવા અને ન મૂકાવવા પર નિવેદન આવી રહ્યા છે. તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના મુખિયા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ જાહેરાત કરી હતી કે તેઓ રસી મૂકાવશે નહીં. જાે કે તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપની રસી નહીં મૂકાવે, તેમને તેના પર ભરોસો નથી. જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તેઓ તમામને રસી મફતમાં લગાવી આપશે.HS