હુબેઈ યુનિ.માં વડોદરાના બે સહિત ૨૦ ગુજરાતી ફસાયા
અમદાવાદ: ચીનમાં કેરોના વાયરસના ભયાનક આંતક અને હાહાકાર વચ્ચે ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલી વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા જૈમન(ઉ.વ.૧૮) અને સોમા તળાવ વિસ્તારના વૃદ પટેલ સહિત ૨૦ ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનના વુહાન સીટીમાં ફસાયા છે.
જેને પગલે આ વિદ્યાર્થીઓના પરિવારજનો તરફથી કેન્દ્ર સરકારને તાત્કાલિક રજૂઆત કરી તેમના સંતાનોને બચાવવા અને યુધ્ધના ધોરણે મદદની માંગણી કરવામાં આવી છે. કેરોના વાયરસની દહેશત વચ્ચે ચીનમાં ફસાયેલી વિદ્યાર્થનીના પિતા શશિકુમાર જૈમને પીએમઓ, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી, સીએમ અને સાંસદને ટ્વીટ કરીને આ અંગે જાણ કરી છે અને તેમની પુત્રી સહિત વિદ્યાર્થીઓને બચાવવા માટે મદદની માંગણી કરી છે.
તેમણે જણાવ્યું કે, કેરોના વાયરસના આંતક વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓને ભોજન અને પાણી મળી રહ્યું નથી અને મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે, મારી દીકરી સાથે ૨૦ જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હુબેઇ યુનિવર્સિટીમાં ફસાયા છે અને તેઓ ભૂખ્યા-તરસ્યા છે. ચીનના વુહાન શહેરમાં બે વર્ષથી અભ્યાસ કરતી શ્રેયાના પિતા શશિકુમારે ઉમેર્યું કે, મારી દીકરી વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. જ્યાં તેમને ભોજન અને પાણી મળતુ નથી.
તેઓને હોસ્ટેલમાંથી નીકળવા દેતા નથી. તેની સાથે ગુજરાતના ૨૦ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. અમારી સરકાર પાસે માંગણી છે કે, જલ્દી મારી દીકરી સહિતના વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે.
શશિકુમાર જૈમને પીએમઓ, વિદેશ મંત્રી, ગૃહ મંત્રી, સીએમ અને સાંસદ કરેલા ટિ્વટમાં જણાવ્યું છે કે, મારી દીકરી શ્રેયા હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે અને તેની આસપાસમાં ૩૦૦ જેટલા ભારતીય સ્ટુડન્ટ અને ૧૦૦ ગુજરાતી સ્ટુન્ટ પણ ફસાયેલા છે. મહેરબાની કરીને તેઓને ભારત પાછા લાવવા માટે પગલા લો. આ માંગણીઓ બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી હતી અને વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.