હુમલાનો બદલો લેવા માટે ઇરાનની કડક ચેતવણી
વોશિંગ્ટન: ઇરાકી પાટનગર બગદાદમાં અમેરિકાના હવાઈ હુમલામાં ઇરાની ફોર્સના પ્રમુખ સુલેમાનીના મોત બાદ ઇરાને બદલો લેવાની ધમકી આપી દીધી છે. ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ કહ્યું છે કે, ઇરાન કમાન્ડર કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેશે. રુહાનીએ ઇરાની વેબસાઈટ ઉપર નિવેદન જારી કરીને કહ્યું છે કે, આ બાબતમાં કોઇ શંકા નથી કે, મહાન રાષ્ટ્ર ઇરાન અને ક્ષેત્રના અન્ય આઝાદ દેશો અપરાધી અમેરિકાના આ જધન્ય કૃત્યનો બદલો લેશે.
બીજી બાજુ ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું છે કે, મોટો બદલો લેવામાં આવશે. ત્રણ દિવસના શોકની જાહેરાત ઇરાનમાં કરવામાં આવી છે. દુનિયાના દેશો આ હુમલાના કારણે હચમચી ઉઠ્યા છે. લેબનોનમાં હિઝબુલ્લા ગ્રુપે પણ હુમલાનો બદલો લેવાની વાત કરી છે અને કહ્યું છે કે જે લોકોએ સુલેમાનીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો છે તેમને યોગ્ય દંડ આપવામાં આવશે. ઇરાનના અમેરિકાના આ હુમલા સામે લોકો શેરીઓમાં આવી ગયા હતા અને દેખાવો કરાયા હતા.
તહેરાનમાં દેખાવકારોએ અમેરિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી. લેબનોનમાં હિઝબુલ્લા લીડર સઈદ હસને કહ્યું છે કે, તેમના ગ્રુપ દ્વારા સુલેમાનીના માર્ગ ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા આ મોટા અપરાધ સાથે તેના ઉદ્દેશ્યને હાંસલ કરી શકશે નહીં.
સિરિયા દ્વારા પણ સુલેમાનીની હત્યાને કઠોર શબ્દોમાં વખોડી કાઢીને આની નિંદા કરી છે. ઇરાક અને અન્ય દેશો દ્વારા પણ જુદી જુદી પ્રતિક્રિયા આપવામાં આવી છે.