હૂતી વિદ્રોહીઓની ‘કેદ’માંથી 7 ભારતીયો સહિત 14 લોકોની મુક્તિ
નવી દિલ્હી, યમનના સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના વિશેષ દૂતે હૂતી વિદ્રોહીઓના બંધનમાંથી 7 ભારતીય નાવિકો સહિત વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા તે ઘટનાને આવકારી હતી. ભારતે ગત 25 એપ્રિલના રોજ 7 ભારતીય નાવિકોની મુક્તિ માટે ઓમાન અને અન્ય સંબંધિત પક્ષોનો આભાર માન્યો હતો. તે તમામ ભારતીય નાવિકોને હૂતીઓએ યમન ખાતે બંધક બનાવ્યા હતા.
દુબઈની શિપિંગ કંપનીમાં કામ કરતા 22 વર્ષીય મોહમ્મદ મુનવ્વર સમીર 4 મહિનાની જહેમત બાદ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા અને પોતાના પરિવારને મળ્યા હતા.
યમનમાં હૂતી વિદ્રોહીઓએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 7 ભારતીય નાગરિકોને બંધક બનાવ્યા હતા. રવિવારના રોજ હૂતીઓના નિયંત્રણવાળી રાજધાની સના ખાતેથી મુક્ત કરવામાં આવેલા વિદેશીઓમાં ભારતીયોનો પણ સમાવેશ થતો હતો. ભારતીય નાગરિકો છેલ્લા 3 માસથી હૂતી વિદ્રોહીઓની કેદમાં ફસાયેલા હતા.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસના યમનના વિશેષ દૂત હંસ ગ્રંડબર્ગના ઉપપ્રવક્તા ફરહાન હકે ગુરૂવારે કહ્યું હતું કે, ‘અમે ઓમાન અને સાઉદી અરબને તેમના પ્રયત્નો માટે ધન્યવાદ પાઠવીએ છીએ.’
ઓમાનના વિદેશ મંત્રાલયે હૂતી વિદ્રોહીઓની કેદમાંથી મુક્ત થયેલા 14 લોકોને ઓમાન રોયલ એરફોર્સના વિમાન દ્વારા મસ્કટ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી.