હેકર્સ સાથે અમારા કર્મીઓની પણ મિલીભગત છેઃ ટ્વીટર
વિશ્વના દિગ્ગજ લોકોના ટ્વીટર એકાઉન્ટ હેક કરી પૈસા ડબલ કરવાની ટ્વીટે ટ્વીટરની ચિંતામાં ભારે વધારો કર્યો
વોશિંગટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સહિત વિશ્વના દિગ્ગજ લોકોના ટ્વીટર એકાઉન્ટ હેક કરી તેનાથી પૈસા ડબલ કરવાની ટ્વીટ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરની ચિંતામાં ભારે વધારો કરી દીધો છે ત્યારે ટ્વીટરે એવો દાવો કર્યો છે કે હેકર્સ સાથે તેના પોતાના કર્મચારીઓ મળેલા હોવાને કારણે આમ થઈ રહ્યું છે. ટ્વીટર તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે અમારું માનવું છે કે હૈકર્સ દ્વારા સોશિયલ એન્જીનિયરીંગની મદદથી કેટલાક ટ્વીટર કર્મચારીઓને નિશાન બનાવી તેમનો ડેટાનો ઉપયોગ કર્યો છે.
હૈકર્સે ટ્વીટરના ટૂ-ફેક્ટર સુરક્ષા પદ્ધતિ સુધી પહોંચવા માટે પણ ડેટાનો ઉપયોગ કર્યો છે. ટ્વીટરનું કહેવુ છે કે અત્યાર સુધીની માહિતી મુજબ હૈકર્સએ ૧૩૦ ટ્વીટર એકાઉન્ટ હેક કરવા માટે અમારી ઇન્ટરનલ સપોર્ટ ટીમના ટૂલ્સ ઉપયોગમાં લીધા છે. જેમાંથી ૪૫ એકાઉન્ટ્સ માટે હૈકર્સ પાસવર્ડ રિસેટ અને લોગિન કરવાની સાથે ટ્વીટ કરવા માટે સક્ષમ છે.
નોંધનીય છે કે હૈકર્સ દ્વારા બુધવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, એમેઝોનના સીઇઓ જેફ બોજોસ, ઉદ્યોગપતિ એલન મસ્ક, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, રાજનેતાઓ અને પ્રમુખ કંપનીઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતા. આ કેસને બિટકોઇન સ્કેમ તરીકે જોવામાં આવી રહ્યો છે.