Western Times News

Gujarati News

11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી અમદાવાદની ફ્લોરાની ઈચ્છા નેહા કક્કરે મુંબઈથી પૂરી કરી

એક દિવસ માટે કલેક્ટર બનેલી ફલોરાની બીજી અદમ્ય ઈચ્છા પણ જિલ્લા વહીવટી તંત્રે પૂર્ણ કરી…

‘હેપી બર્થ ડે ફ્લોરા…’- નેહા કક્કરે મુંબઈથી ફ્લોરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની વિશ પૂર્ણ કરવા વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ…

‘મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે.  ફ્લોરાને એક દિવસ માટે કલેકટર બનવાની ઈચ્છા અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેએ પૂર્ણ કરી છે પરંતુ આ જ વહીવટી તંત્રની પહેલને કારણે ફલોરાની બીજી ઈચ્છા પણ આજે પૂર્ણ થઈ છે… અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે…

આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બનીને જિલ્લા કલેકટરશ્રીની ખુરશીમાં બિરાજમાન પણ થઈ…

સરગાસણમાં રહેતી ફ્લોરાની કલેકટર બનવાની ઈચ્છા ની સાથે સાથે તેને પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર ના ગીતો સાંભળવાનો પણ ગજબનો શોખ હતો રેડિયો કે ટીવી માં નેહા કક્કર ના ગીતો સાંભળતા ની સાથે જ ફલોરા ઝૂમી ઉઠતી હતી…

ફલોરાની માતા સોનલ બેન આસોડીયા કહે છે કે,  આજે મારી દીકરીની વર્ષગાંઠ છે અને તે સદાય એવું કહેતી કે નેહા કક્કર મને બર્થ ડે વીશ કરે તો મને ખૂબ ગમે… મારી દીકરી જ્યારે એક દિવસ માટે કલેક્ટર બની ત્યારે જ આ વાતને જિલ્લા કલેકટર સમક્ષ કરી હતી

અને તેમણે મને ખાતરી આપી કે ફ્લોરા ના જન્મદિવસે નેહા કક્કર તેને બર્થ ડે વિશ કરે તે માટે બધા જ પ્રયત્નો કરીશ અને આજે નેહા કક્કર નો બર્થ ડે વીશ કરતો વિડીયો અમને મળ્યો છે… આ વિડીયો જોતા જ ફલોરાના ચહેરા પર એક અજીબ પ્રકાર નું નૂર દેખાયું છે એટલે અમારા માટે આ  એક વધારાની ખુશી છે એમ તેઓ ઉમેરે છે…’

જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે જણાવ્યું હતું કે દીકરી ફ્લોરા જ્યારે એક દિવસ કલેકટર બનીને અમારી ઓફિસે આવી ત્યારે જ તેની આ ઈચ્છા ની પણ તેના પરિવાર પાસેથી અમને જાણવા મળી હતી, ત્યારે જ અમે પ્રસિદ્ધ ગાયિકા નેહા કક્કર નો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો

અને અમે સફળ પણ થયા તેના પગલે ફ્લોરાના ચહેરા પર ની ખુશી જ અમારા માટે સર્વસ્વ બની છે…’ એમ તેઓ કહે છે…

અધિક નિવાસી કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા કહે છે કે, ‘ ફલોરાની આ ઈચ્છા બાબતે જિલ્લા કલેકટરશ્રીએ અમને સૂચના આપી અને મેં પોતે નેહા કક્કર ના પિતાશ્રી જયનારાયણકક્કર નો સંપર્ક કર્યો….ફલોરાની બીમારી વિશે તેમને વાત કરતાં જ શ્રી જયનારાયણ કકકરે એવી ખાતરી આપી કે અમદાવાદની દીકરી માટે મારી દીકરી નેહા પણ તેની વિશ પૂરી કરશે…

અને ફલોરાને બર્થડે વીશ કરતો વિડીયો નેહા કક્કરે અમને તરત જ મોકલી આપ્યો… આ વિડીયો ફલોરાના  પરિવાર ને મોકલી આપ્યો છે… તેના પરિવાર પાસેથી ફલોરા ઝૂમી ઉઠી છે તેવા સમાચાર મળતા જ અમારામાં પણ ખુશી વ્યાપી ગઈ છે…’ એમ તેઓ ઉમેરે છે…

ફલોરાના પિતા અપૂર્વ અસોડીયા કહે છે કે, ‘ બીમારીના શરૂઆતના તબક્કામાં નેહા કક્કર ના ગીતો સાંભળતા જ ફ્લોરા ઝૂમી ઉઠતી હતી… અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેએ અમારા એ દિવસો પાછા લાવી ને અમારી દીકરીને આનંદિત બનાવવાનો પ્રયત્ન અત્યંત પ્રશંસનીય છે…’

એક જ સપ્તાહમાં ફ્લોરાની બે ઈચ્છાઓ પૂર્ણ કરીને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ સંવેદનશીલ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે….સો સો સલામ આવા સંવેદનશીલ વહીવટીતંત્રને….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.