હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી નિમિતે સેમિનાર યોજાયો
પાટણ, તા.૧૫ માર્ચને સમગ્ર વિશ્વમાં ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ ખાતે યુનિવર્સિટીના લૉ અને કૉમર્સ ફેકલ્ટી દ્વારા સેમિનાર યોજાયો હતો.
‘સાયબર સિક્યુરીટી અવેરનેસ’ અને ‘ટેકલીંગ પ્લાસ્ટીક પોલ્યુશન’ થીમ પર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.જે.જે.વોરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સેમિનારમાં દિવસે દિવસે વધી રહેલા પ્લાસ્ટિકને અટકાવવા માટે તથા ઑનલાઈન ખરીદી સમયે ગ્રાહકોએ રાખવાની થતી તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.ટી.સોનારાએ જણાવ્યું કે, ગ્રાહક પોતે સજાગ નહીં થાય તો વેપારી તેમને છેતરશે તેથી ગ્રાહકે જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા થતા ફ્રોડ વિશે પણ સજાગ રહેવા માટે જણાવ્યું હતું.
કાનૂન માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરીના મદદનીશ નિયંત્રક શ્રી એન. એમ. રાઠોડે જણાવ્યું કે, ખાદ્યવસ્તુ લાવવા માટે કપડાંની થેલીનો ઉપયોગ કરીને પ્લાસ્ટીકનો બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ, જેથી પર્યાવરણને નુકશાન ન થાય અને આપણને કેન્સર જેવા ભયાનક રોગનો શિકાર ન બનવું પડે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગ્રાહક બજારનો રાજા છે, ગ્રાહક છે તો બજાર છે, બજાર છે તો ઈકોનોમી છે. તેથી ગ્રાહકને છેતરવા ન જોઈએ. વિવિધ કંપનીઓ લોભામણી જાહેરાતો અને ઈનામની લાલચો આપીને ગ્રાહકોને કઈ રીતે છેતરે છે અને તેનાથી બચવા ગ્રાહકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લૉ વિભાગના ડીન શ્રી ડૉ. અશોક શ્રોફ, સામાજિક કાર્યકર્તા શ્રીમતી પલ્લવીબેન જે. વોરા, પાટણ ભગિની સમાજના મંત્રી ડૉ. લીલાબેન સ્વામી, પાટણ સાયબર ક્રાઈમ સેલના નિષ્ણાંત રોશનીબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.