હેમાલી બોઘાવાલા સુરતનાં નવાં મેયર તરીકે નિયુક્ત થયાં
સુરત ઃ ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્વલંત જીત પ્રાપ્ત કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે સુરતના નવા મેયરનું નામ જાહેર કરી દીધું છે. આજે પક્ષ દ્વારા સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જાેધાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
સુરત શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે શાશક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂત જ્યારે દંડક તરીકે વિનોદ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને યોજાયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી હતી.
આ ચૂંટણીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ પણ જાેરદાર દેખાવ કરી બધાને ચોંકાવ્યા હતા. સુરતના ૩૦ વોર્ડની કુલ ૧૨૦ બેઠકોમાંથી ભાજપને ૯૩ બેઠકો પર વિજય મળ્યો તો, જ્યારે આમ આદમી પાર્ટી ૨૭ બેઠકો જીતવામાં સફળ રહી હતી. તેવામાં વિરોધ પક્ષના નેતાનું પદ આમ આદમી પાર્ટીને મળશે.
આ ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો અને તેને એકેય બેઠક મળી શકી નહોતી. આમ, આ વખતે કોંગ્રેસની સુરત કોર્પોરેશનમાં હાજરી પણ જાેવા નહીં મળે. સુરતની સાથે રાજકોટ અને જામનગરના મેયરનું નામ જાહેર થઈ ગયું છે.