હેરીટેજ મિલ્કતોમાં થયેલ ગેરકાયદે બાંધકામો નહીં તૂટે
ચૂંટણી વર્ષમાં ભૂ-માફિયાઓ પ્રત્યે સંવેદના
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનને “વર્લ્ડ હેરીટેજ સીટી”નો દરજ્જા મળ્યો છે. પરંતુ હેરીટેજ મિલ્કતોની સાચવણીમાં વહીવટીતંત્ર અને શાસકો નિષ્ફળ સાબિત થયા છે. મ્યુનિ.અધિકારીઓ, રાજકારણીઓ અને ભૂ-માફિયાઓની ત્રિપુટીએ ઐતિહાસિક મિલક્તોનું સત્યાનાશ કર્યું છે. તથા છેલ્લા બે વર્ષમાં ૫૦૦ જેટલી ઐતિહાસિક મિલ્કતો ગાયબ કરી છે. હેરીટેજ મિલ્કતોના સ્થાને કોમર્શીયલ મિલ્કતોના બાંધકામ થઈ ગયા છે. જેની સામે દેખાવ પૂરતી કાર્યવાહી થઈ છે. પરંતુ આ મિલ્કતોને તોડી પાડવા માટે નક્કર નિર્ણય થયો નથી. મ્યુનિ.ચૂંટણીનું વર્ષ હોવાથી ભૂ.માફિયાઓ માટે સંવેદના વ્યક્ત કરવામાં આવે તથા બહુ જાર-શોરથી તૈયાર કરવામાં આવેલ ફાઈલો અભરાઈ પર મૂકવામાં આવે તેવી શક્યતા જાવા મળે છે.
અમદાવાદ શહેરની ઐતિહાસિક મિલ્કતો મામલે શરૂઆતથી જ વિવાદ જાવા મળ્યો છે. રાજ્ય સરકારની હેરીટેજ કમીટીએ ૧૨૫૦૨ મિલ્કતોને હેરીટેજ જાહેર કરી હતી. તેના એક દસકા બાદ માત્ર ૨૬૮૫ મિલ્કતોનો જ હેરીટેજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૨૩૬ રહેણાંક અને ૪૪૯ બીન રહેણાંક મિલ્કતોનો સમાવેશ થાય છે. મ્યુનિ.કોર્પાેરેશનને હેરીટેજ સીટીનો દરજ્જા મળ્યા બાદ ૨૬૮૫ મિલ્કતોમાં પણ ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ હાલ માત્ર બે હજાર હેરીટેજ મિલ્કતો જ બચી છે.
બાકી મિલ્કતોને ભૂ-માફીયાઓએ ગાયબ કરી છે. મ્યુનિ. હેરીટેજ વિભાગ દ્વારા કરવામાં આવેલ રેન્ડમ ચેકીંગ દરમ્યાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. કોટ વિસ્તારમાં ૫૦ કરતાં વધુ હેરીટેજ મિલ્કતો તૂટી ગઈ છે. ૧૧ મિલ્કતોના સ્થાને સમથળ મેદાન બની ગયા છે. ૧૪ કરતાં વધુ મિલ્કતો એ હેરીટેજ વેલ્યુ ગુમાવી છે જ્યારે ૩૮ મિલ્કતો તોડી તેના સ્થાને કોમર્શીયલ મિલ્કતો બની ગઈ છે.
મધ્ય ઝોન એસ્ટેટ ખાતાના અધિકારીઓએ હેરીટેજ મિલ્કતોના થયેલ વ્યાપારીકરણ સામે જાર-શોરથી કામગીરી શરૂ કરી હતી બે-ચાર મિલ્કતો તોડવામાં આવી હતી. જ્યારે ૩૦ કરતા વધુ મિલ્કતોને સીલ કરવામાં આવી હતી. જેને ક્રમશઃ તોડવા માટેની જાહેરાત પણ થઈ હતી. પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી તંત્ર દ્વારા ભૂ-માફિયાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે તથા પ્લાન મંજૂર કરવા માટે સમય આપવામાં આવ્યો છે.
મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ હેરીટેજ મિલ્કતોમાં થયેલ જે કોમર્શીયલ બાંધકામોને સીલ કરવામાં આવ્યા હતા જે પૈકી લાખિયાની પોળના બાંધકામને તોડવામાં આવ્યું છે જ્યારે સરકીવાડ અને પિતળિયાની પોળના બાંધકામના અંશતઃ તોડવામાં આવ્યા છે. મધ્ય ઝોન એસ્ટેટ ખાતાએ ૩૪ મિલ્કતોને સીલ કરવામાં આવી હતી જે પૈકી ૨૦ મિલ્કતોના સીલ ખોલી નાંખવામાં આવ્યા છે. જેમાં ૧૪ કોમર્શીયલ, ૦૫ રહેણાંક અને ૦૧ મિક્ષ પ્રકારના બાંધકામનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા કોમર્શીયલ મિલ્કતોને તોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક રાજકારણીઓ અને બિલ્ડરોના દબાણવશ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તથા જે મિલ્કતોના પ્લાન મંજૂર થઈ શકે તેમ હોય તેને સમય આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ રહેણાંકમાંથી કોમર્શીયલ મિલ્કતના પ્લાન મંજૂર થઈ શકતા નથી તથા મૂળ માળખા (ઉંચાઈ) મુજબ બાંધકામ કરવાના નિયમ છે તેવા સંજાગોમાં હેરીટેજ મિલ્કતોના પ્લાન મંજૂર થાય તેવી કોઈ જ શક્યતા નથી.
તેમ છતાં તંત્ર દ્વારા યેનકેન પ્રકારે ફાઈલ અભરાઈએ મૂકવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. મ્યુનિ.કમિશ્નરની સૂચનાથી આ મિલ્કતોના દસ્તાવેજ ન કરવા માટે સબ-રજીસ્ટ્રારને પત્ર લખવામાં આવ્યા છે. આ બાબતને અત્યંત હાસ્યાપદ માનવામાં આવી રહી છે. ગેરકાયદે મિલ્કતોના દસ્તાવેજ થતા નથી તે બાબત જનજાહેર છે તેવા સંજાગોમાં સબ-રજીસ્ટ્રારને પત્ર લખીને મામલો ઉંધા રસ્તે લઈ જવામાં આવી રહ્યો છે. મધ્ય ઝોનના પૂર્વ ડે.એસ્ટેટ ઓફીસર રમેશ દેસાઈએ પણ આ જ “મોડેસ ઓપરેન્ડી” અજમાવી હતી.
દસ્તાવેજ ન કરવા વીજ કનેક્શન ન આપવા તથા પાણી-ડ્રેનેજના જાડાણ ન આપવા માટે વિવિધ વિભાગોને પત્ર લખી તેઓ “ઓન-પેપર” મજબુત થતાં હતા. પરંતુ ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે કાર્યવાહી કરતા ન હતા. હેરીટેજ મિલ્કતોમાં જે કોમર્શીયલ પ્રકારના બાંધકામો થયા છે તે તમામ બાંધકામ પૂર્વ ડે.એસ્ટેટ ઓફિસરના કાર્યકાળ દરમ્યાન જ થયા હતા તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ ૨૦૨૦ સુધી
૧૨૫૦૨ ઐતિહાસિક મિલ્કતો હતી
જ્યારે સેપ્ટના સરવે બાદ માત્ર ૨૬૮૫ મિલ્કતો જ જાહેર કરવામાં આવી છે તે બાબત અત્યંત શંકાસ્પદ છે. સરવે દરમ્યાન મિલ્કતોની કેટેગરીમાં મીક્ષ યુઝ, ગોડાઉન, કોમર્શીયલ લખવામાં આવ્યા હતા તે બાબતે પણ તટસ્થ તપાસ થવી જરૂરી છે. જે ઐતિહાસિક મિલ્કતોમાં ખોટા બાંધકામો થયા છે તે દૂર કરવા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી છે.