હેરીટેઝ સીટીનો વારસો જોવા નાગરીકોએ રૂપિયા ખર્ચ કરવા પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/paldi-1024x576.jpg)
સત્તાધારી પાર્ટીએ ઉત્સવ-મહોત્સવોના ખર્ચ બંધ કરી પ્રજાને ટિકિટ-મોડેલથી રાહત આપવી જાેઈએઃ કોંગ્રેસ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખની મુદ્દત ૧૫ ડિસેમ્બરથી પૂર્ણ થઈ રહી છે તેવા સંજાેગોમાં સત્તાધારી પાર્ટી દ્વારા નાગરીકોને રાહત આપવાના બદલે તેમના પર આર્થિક બોજ નાંખવામાં આવે તેવી શક્યતા જાેવા મળી રહી છે. શહેરની આગવી ઓળખ સમાન પાલડી સંસ્કાર કેન્દ્ર અને પતંગ મ્યુઝીયમમાં લગભગ સાડા છ દાયકા બાદ “ટિકિટ મોડેલ” લાગુ કરવા માટે કમીશનર તરફથી દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી દ્વારા કાંકરીયા પરિસર અને રીવરફ્રન્ટની માફક “ટિકિટ મોડેલ”નો મંજૂરી આપ્યા બાદ તેનો અમલ થશે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષ દ્વારા શાસકપક્ષના ટિકિટ માડેેલનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસાથી દેશ-વિદેશના નાગરીકો પરિચિત થાય તે આશયથી ૧૯૫૪ની સાલમાં પાલડીમાં સંસ્કાર કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું હતું. સાડા છ દાયકાથી સંસ્કાર કેન્દ્ર અને પતંગ મ્યુઝીયમમાં નાગરીકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ મ્યુનિ.કમીશનરે તેમાંથી પણ રૂપિયા કમાવવાનો રસ્તો શોધ્યો છે. જે મુજબ સંસ્કાર કેન્દ્ર અને મ્યુઝીયમમાં પ્રવેશ બદલ ફી લેવા માટે દરખાસ્ત તૈયાર કરી સ્ટે.કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. મ્યુનિ.કમીશનરે તૈયાર કરેલી દરખાસ્ત મુજબ સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ માટે બાળકો પાસેથી રૂા.૧૦ અને પુખ્ત વયના નાગરીકો પાસેથી રૂા.૨૦ લેવામાં આવશે. જ્યારે વિદેશી નાગરીકોએ રૂા.૫૦ ચૂકવવા પડશે. મ્યુઝીયમમાં કોમર્શીયલ ફોટોગ્રાફી માટે રૂા.૫૦૦ નક્કી કરવાની ભલામણ પણ કમીશનરે કરી છે. પાલડી સંસ્કાર કેન્દ્રમાં દેશનું પતંગ મ્યુઝીયમ પણ છે. ૧૯૫૪માં જગવિખ્યાત લી કોર્બુઝિયારે ૧૫ હજાર ચોરસ ફુટમાં મ્યુઝીયમ ડીઝાઈન કર્યુ હતું. જેમાં દર મહિને ૧૫૦૦ મુલાકાતીઓ આવે છે.
મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા કમળાબેન ચાવડાએ સંસ્કાર કેન્દ્ર અને પતંગ મ્યુઝીયમમાં પ્રવેશ ફી લેવાની દરખાસ્તનો વિરોધ કરતા જણાવ્યું હતું કે સત્તાધારી પાર્ટીએ પાંચ વર્ષમાં નાગરીકો પર એક યા બીજી રીતે આર્થિક બોજ નાંખવા સિવાય કોઈ જ કામ કર્યા નથી. મ્યુનિ.સેવાઓના દર વધારવામાં આવ્યા છે. મિલ્કતવેરામાં ૬૦ ટકા જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. તદુપરાંત સ્વીમીંગ પુલના વિવિધદરોમાં વધારો કોમ્યુનીટી પાર્ટી પ્લોટના ભાડામાં વધારો, વાહનવેરામાં વધારો, બસભાડામાં વધારો, જન્મ મરણની ટેન્કરનાં ભાવમાં વધારો જેવા અનેક આર્થિક બોજ ભાજપ દ્વારા જનતા પર નાંખવામાં આવ્યા છે.
એક તરફ બેકારી અને બેરોજગારીએ માઝા મૂકી છે તેવા સંજાેગોમાં પ્રજા પાસેથી રૂા.૨૦ કે ૫૦ લેવાનો વિચાર મૂડીવાદી માનસિકતા રજૂ કરે છે. ૨૦૧૫માં ચૂંટણી સમયે વિકાસનો ભ્રામક પ્રચાર કરીને ભાજપાએ સત્તા મેળવી હતી. પાંચ વર્ષમાં બાદ વિકાસના નામે શૂન્ય છે. જ્યારે પ્રજા તમામ રીતે બે-હાલ થઈ રહી છે. મ્યુનિ.શાસકો ઉત્સવો મહોત્સવો પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરી રહ્યા છે. જ્યારે મ્યુઝીયમમાં માસિક માત્ર રૂા.પાંચ-સાત લાખની આવક મેળવવા માટે નાગરીકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શાસકોએ મોટા દંભ અને દેખાડા માટેના ખર્ચ બંધ કરીને નાગરીકોને ટિકિટ મોડેલથી મુક્તિ આપવી જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.