હેલિકોપ્ટર ક્રેશ થયું તેના પહેલાનો વીડિયો સામે આવ્યો

નવી દિલ્હી, ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય ૧૧ લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા.
આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે.
આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદના બંને ગૃહમાં આ દુર્ઘટના પર નિવેદન આપશે. આ દુર્ઘટના ઘટી તે પહેલાનો વીડિયો સામે આવ્યો છે. બુધવારે આખા દેશને ચોધાર આંસુએ રડાવનારી આ દુર્ઘટના ઘટી તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત થયા પહેલા ગાઢ ધુમ્મસમાં આગળ વધી રહેલું ચોપર દેખાઈ રહ્યું છે.
એર ચીફ માર્શલ વી આર ચૌધરે આજે સવારે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે પહોંચ્યા. તેમની સાથે તમિલનાડુના ડીજીપી સી સયલેન્દ્રબાબુ પણ હતા.
પાર્થિવ દેહ દિલ્હી લાવતા પહેલા વેલિંગ્ટનમાં CDS રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુરુવારે સાંજ સુધીમાં પાર્થિવ દેહ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ ૧૦ ડિસેમ્બરના રોજ દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
વાયુસેનાએ એક ટ્વીટમાં કહ્યું કે ખુબ જ અફસોસ સાથે તેની પુષ્ટિ કરવામાં આવે છે કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને ૧૧ અન્ય લોકોના મૃત્યુ થયા છે.
અકસ્માત ત્યારે થયો જ્યારે જનરલ બિપિન રાવત ડિફેન્સ સર્વિસિઝ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) જઈ રહ્યા હતા જ્યાં તેઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હતા.SSS