હેલિકોપ્ટર દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પની વર્ષા કરી ભાવાંજલિ અર્પણ
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ન્યુ ઇન્ડિયાના આઇકોનિક લેન્ડમાર્ક-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય ઉજવણી
આ વર્ષને સૌ ભારતવાસીઓએ ”સંકલ્પ વર્ષ” તરીકે ઉજવી એક સંકલ્પ લેવા શ્રી અમિત શાહનુ આહવાન
અમારી સરકારે સરદાર સાહેબને ”ભારત રત્ન” આપીને નવાજવાની સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે સ્થાપી આ સ્થળને ‘રાષ્ટ્રીય એકતા તીર્થ” તરીકે પ્રચલિત કરીને ઉચિત સન્માન આપ્યુ
Ø સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાઇ
Ø કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સરદાર પટેલની પ્રતિમાની ભાવપૂર્વક પાદપૂજા કરી લોહ પુરુષ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી
Ø કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં વિશાળ જનમેદનીને લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ
Ø હજારો કિલોમીટર સફર ખેડીને દેશભરમાંથી પોલીસ જવાનો અને સશસ્ત્ર દળના જવાનોએ મોટર સાયકલ રેલી-સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવીને એકતા પરેડમાં ભાગ લીધો
Ø દેશની એકતા, અખંડિતતા અને એકરૂપતાનો સર્જાયો ત્રિવેણી સંગમ : ભારત માતાના જયઘોષથી સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ગુંજયું
Ø ઓરિસ્સા ગંજામના શ્રમયોગી કલાકારોએ રાષ્ટ્રીય એકતાની થીમ પર શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
:-”રાષ્ટ્રીય એકતા દિવસ” ના ઉપલક્ષમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે કેવડિયા ખાતેના એકતા પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત જનસમુદાય તથા સમગ્ર દેશવાસીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજનું ”રાષ્ટ્રીય એકતા પર્વ” નું વિશેષ મહત્વ એટલા માટે છે કે, ચાલુ વર્ષે દેશ આઝાદીના ૭૫-માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે.
આ તબક્કે તેમણે પરેડમાં જોડાયેલા લશ્કરી -અર્ધ લશ્કરી દળો, તમામ રાજ્યોની પોલીસના જવાનો તથા પરેડ બેન્ડનું નિદર્શન કરનારા બે શાળાઓના બાળકોની ટીમ સહીત તમામ દેશવાસીઓની આંખમાં સરદાર સાહેબની મહાનતા પ્રતિબિંબિત થતી હોવાનો વિશ્વાસ સાથે દાવો કર્યો હતો.
શ્રી શાહે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય તે સમયે આવનારા સમયમાં દેશ કેવો હશે તે નિયત કરવા માટે સંકલ્પ લેવાનો છે. આ માટે જ આ વર્ષ મહત્વપૂર્ણ છે, આ વર્ષે સૌ 130 કરોડ ભારતવાસીઓએ ”સંકલ્પ વર્ષ” તરીકે ઉજવવાનું શ્રી અમિત શાહે આહ્વાન કર્યું હતું અને પ્રત્યેક દેશવાસીઓને એક-એક સંકલ્પ લેવાની હાકલ કરી. તેમને એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે, પ્રત્યેક ભારતીય દ્વારા લેવાયેલો દેશના નિર્માણ માટેનો સંકલ્પ દેશના ભવિષ્ય માટે નિશ્ચિતરૂપે પરિણામલક્ષી સાબિત થશે.
શ્રી અમિત શાહે દેશના વડાપ્રધાનશ્રી મોદીજીએ શરુ કરેલા ”રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણીની આ સંકલ્પનાને બિરદાવતા જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૪માં મોદીજીની સરકારે શપથ ગ્રહણ કર્યા બાદ, સરદાર પટેલની યાદગીરીમાં અને તેમને ઉચિત સન્માન આપવા માટે પ્રતિવર્ષ તેમના જન્મદિવસને ”રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવાનું શરુ કર્યું છે.
આ પૂર્વે હંમેશા સરદારની ઉપેક્ષા થતી આવી છે. જો કે, અમારી સરકારે સરદાર સાહેબને ”ભારત રત્ન” આપીને નવાજવાની સાથે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨મીટર પ્રતિમા કેવડિયા ખાતે સ્થાપી તથા આ સ્થળને ‘રાષ્ટ્રીય એકતા તીર્થ” તરીકે પ્રચલિત કરીને તેમને ઉચિત સન્માન આપવાનું કાર્ય કર્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૦ વર્ષ સુધી દેશના ગરીબો વિકાસથી વંચિત રહ્યા હતા, જેને શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાથમિકતા આપીને દેશના વિકાસકાર્યોમાં જોડ્યા છે. તેમણે દેશના ગરીબો માટે શુદ્ધ પાણી, રાંધણગેસ, વીજળી તથા મફત સ્વાસ્થ્ય સુવિધા અને હવે ‘નલ સે જલ’ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ આપીને ગરીબોને પણ દેશના વિકાસ કાર્યોમાં જોડ્યા છે.
શ્રી અમિત શાહે ”સ્ટેચ્યુ ઓફ યુનિટી” અંગેની વિસ્તૃત માહિતી આપીને દેશની એકતાના તીર્થધામ તરીકે જાણીતા બનેલા આ સ્થળની અચૂકપણે મુલાકાત લેવા માટે સૌ યુવાનો અને નવી પેઢીને આહવાન કર્યું હતું.
શ્રી શાહે ”સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના નિર્માણ થકી દેશની એકતાને કોઈ જ ભેદી નહિ શકે તેવો હુંકાર તેમને વિશ્વને આપ્યો હતો તેમ જણાવી શ્રી શાહે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી ભારતને ખંડ-ખંડમાં વિભાજિત થતો રોકનાર સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી જીતાયેલા ”લક્ષ્યદ્વીપ”ના ઉલ્લેખ કરવાની સાથે તેમની ખેડૂત અને કૃષિલક્ષી સંવેદનશીલતાને પણ યાદ કરી હતી. તેમના સન્માનમાં જાણીતા હિન્દી કવિશ્રી હરિવંશરાય બચ્ચન રચના ‘પટેલ દેશ કે નિગેહ-બાન, હરેક પક્ષ કો પટેલ તોલતા”ને પણ ઉપસ્થિત જનસમુદાય સમક્ષ રજુ કરી હતી.
શ્રી અમિત શાહે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી ભારતને ખંડ-ખંડમાં વિભાજિત થતો રોકનાર સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી જીતાયેલા ”લક્ષ્યદ્વીપ”ના ઉલ્લેખ કરવાની સાથે તેમની ખેડૂત અને કૃષિલક્ષી સંવેદનશીલતાને પણ યાદ કરી હતી અને તેમના સન્માનમાં જાણીતા હિન્દી કવિશ્રી હરિવંશરાય બચ્ચન રચના ‘પટેલ દેશ કે નિગેહ-બાન, હરેક પક્ષ કો પટેલ તોલતા”ને પણ ઉપસ્થિત જનસમુદાય સમક્ષ રજુ કરી હતી .
શ્રી અમિત શાહે ”આઝાદી કા અમૃત મહોત્સવ”ના પ્રસંગે વર્ષ-1857થી દેશની આઝાદી સુધી જે હજારો અને લાખોની સંખ્યામાં જે કોઈ નામી-અનામી સ્વાતંત્ર્યસેનાનીઓએ બલિદાનો આપ્યા છે, તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની ૧૪૬મી જન્મજયંતિએ ન્યુ ઇન્ડિયાના આઇકોનિક લેન્ડમાર્ક-વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટ દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પની વર્ષા કરી ભાવસભર આદરાંજલી અર્પી હતી.
એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રતિવર્ષ દેશભરમાં કરવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાએ પાદપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી આમંત્રિતોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી અંતર્ગત કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું.
સરદાર સાહેબની આ અપ્રતિમ પ્રતિમાના સાનિધ્યમાં પોલીસ-અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસ સભર પરેડ રજૂ કરી હતી. આ દળોએ અનોખી ધ્વજ સલામીથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને આદર આપ્યો હતો.
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની કરવામાં આવેલી ઉજવણી દરમિયાન એકતા પરેડમાં વિવિધ ૬ પ્લાટૂન જોડાઈ હતી. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લીધો. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા ૨૩ પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટુનના ૭૫ સભ્યો પણ આ પરેડમાં સહભાગી થયા હતા. દેશ જ્યારે આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે આજે બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટુનના ૭૫ જવાનો પરેડમાં જોડાયા હતા.
દેશના તમામ રાજ્યોમાંથી પોલીસ જવાનો કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બાઈક અને સાયકલ રેલી સ્વરૂપે હજારો કિલોમીટર સફર ખેડીને કેવડીયા આવ્યા હતા અને એકતા પરેડમાં સહભાગી થયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની ૩૬ ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લીધો હતો. દેશની એકતા, અખંડિતતા અને એકરૂપતાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. ભારત માતાના જયઘોષથી સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ગુંજયું હતું. રાષ્ટ્રીય એકતા પરેડ બાદ વુસુ માર્શલ આર્ટનું નિદર્શન અને આઈ.ટી.બી.પીના કોમ્બેટ વ્હીકલના ખોલ-જોડનું નિદર્શન પણ યોજાયું હતું.
ઓરિસ્સા ગંજામના શ્રમયોગી કલાકારોએ રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાઈ હતી. અમદાવાદના નરોડા વિસ્તારની સેન્ટ મેરી સ્કૂલ, જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ૧૦ થી ૧૫ વર્ષની વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓએ બેન્ડ કૌશલ્ય પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા સહિત કેન્દ્રિય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લા અને કેન્દ્રના વરિષ્ઠ સનદી અધિકારીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કેન્દ્રિય અને વિવિધ રાજયોની સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ, રાજયના ગૃહ વિભાગના સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.