Western Times News

Gujarati News

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શામણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

કોરોના મહામારીના સમયમાં રક્તની ઉપલબ્ધતા સિમિત છે તેવા સમયે બાવન જેટલા રકતદાતાઓએ રકતદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું  પાડ્યું  : કોરોના સંદર્ભેની તકેદારી સાથે રક્તદાન કેમ્પમાં બાવન યુનિટ બ્લડ કલેક્શન થયું

લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓને નિઃશુલ્ક ધોરણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલ ના સહયોગથી શામણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એસ. બી. શાહની રાહબરીમાં મલેકપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ડો. અલ્પેશ ચૌધરી, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી નિકિતાબેન પટેલ, રેડ ક્રોસ સોસાયટી ગોધરા ના ડોક્ટર ચૌહાણ તેમજ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં બાવન જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડ લાઇનનાં દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ રક્તદાતાને કોરોના ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડ વોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડીકલ ઓફિસરશ્રી ડોક્ટર બિરેન્દ્રસિંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ચાવડીબાઈના મુવાડા અને શામળાના સરપંચ શ્રી રોહિતભાઈ પટેલ, શ્રી અમિતભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી સહયોગ આપ્યો હતો. રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે. જે કોરોનાના દર્દી, એનેમીક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારી ના સમય વચ્ચે રક્તદાન કેમ્પ લોક ઉપયોગી બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.