હેલ્થ કમિટીમાં ઇરાદાપૂર્વક સોલિડ વેસ્ટના આસિ. ડાયરેક્ટર્સને હાજર રખાતા નથી!
નાગરિકો કચરાગાડીની સમસ્યાથી ત્રસ્ત છે અને તંત્ર બેપરવા છે: સભ્યોની ફરિયાદો સામે જાેઇ લઇશું એવો જવાબ આપીને ઠંડુ પાણી રેડી દેવાય છે
અમદાવાદ, હવેમ્યુનિ. તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ વર્ષ ૨૦૨૨નો દેશના સ્વચ્છ શહેરોનો એવોર્ડ જીતવાનું અભિયાન ચાલી રહ્યું છે. શહેર સ્વચ્છ થાય કે ન થાય પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ યેનકેન પ્રકારે દિલ્હીથી ૨૦૧૬થી એવોર્ડ લઇને આવે છે, જાેકે સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ પાછળ ફરી મ્યુનિ. તિજાેરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે.
બીજી તરફ શહેરીજનોને કનડતી કચરો ઉપાડવાની સમસ્યા હોય કે રોડ પરના માટીના ઢગલા, ડેબ્રિજ વગેરેની ફરિયાદો હોય પણ તે જેમની તેમ ઊભી રહે છે. મ્યુનિ. હેલ્થ કમિટીમાં પણ લોકોની ફરિયાદોને ઘોળીને પી જવાય તે માટે ઇરાદાપૂર્વક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સને હાજર રખાતા નથી.
શહેરની સફાઇની જવાબદારી આ અધિકારીઓ પાસે હોઇ તેઓ હેલ્થ કમિટીની બેઠકમાં અચૂક હાજ રહેવા જાેઇએ પણ કમનસીબે આવું થતું ન હોઇ હેલ્થ કમિટીના કેટલાક સભ્યો રોષે ભરાયા છે.
છેલ્લા સાત વર્ષથી અમદાવાદમાં ડોર ટુ ડોરની કામગીરી પાછળ પાણીની જેમ પૈસા વપરાઇ રહ્યા છે. કોન્ટ્રાક્ટર્સને દર મહિને લાખો રૂપિયા ચૂકવાતા હોવા છતાં ઘેર-ઘેરથી કચરો ઉપાડવાની કામગીરીમાં જબ્બર ધાંધિયા છે. શિસ્તબદ્ધ સ્ટાફના બદલે ગોધરા બાજુના શ્રમિકો પાસે મજૂરી કરાવાય છે. જેમાં કચરાગાડીમાં મહિલાઓ પણ ફરજ બજાવતી જાેવા મળે છે.
કચરાગાડીમાં સૂકો અને ભીનો કચરો ભેગો જ એકઠો થઇ રહ્યો છે. દર મહિને લાખો રૂપિયા કમાતા કોન્ટ્રાક્ટર પર અલગ અલગ રીતે કચરો લેવાની જવાબદારી નથી, બલકે નાગરિકોના માતે આ જવાબદારી ઢોળાઇ છે. અનેક વિસ્તારમાં ત્રણ-ત્રણ દિવસ સુધી કચરાગાડી ડોકાતી નથી અને જ્યાં આવે છે ત્યાંથી ક્યારે રવાના થાય છે તેની કોઇને કબર પડતી નથી.
રોડ પર જમા થતા ધૂળ કે માટીના ઢગલા, કચરો કે ડેબ્રિજનો પણ સમયસર નિકાલ થતો નથી. રાત્રિ સફાઇ અંગે પણ ગંભીર ફરિયાદો ઊઠતી રહે છે. આમ, એક તરફ સ્વચ્છ ભારત મિશનના શહેરમાં સત્તાવાળાઓ ઢોલનગારા વગાડી રહ્યા છે તો બીજી તરફ રોજબરોજની સફાઇમાં પણ અનેક પ્રકારની અનિયમિતતા જાેવા મળે છે.
મ્યુનિ. હેલ્થ કમિટીમાં શાસક ભાજપના સભ્યો અવારનવાર આ અંગે તંત્ર સમક્ષ ગંભીર રજૂઆતો કરે છે. કચરાગાડીને કિશોરો હંકારતા હોઇ પ્રાણઘાતક અકસ્માતો વધતા જતા હોવાનો બળાપો પણ સભ્યો કમિટીમાં ઠાલવી ચૂક્યા છે. તેમ છતાં મ્યુનિ. સત્તાવાળાઓ લાપરવાહી દાખવી રહ્યા છે.