હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ !
અમદાવાદ: નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ અને કારચાલકે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જા કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ જાે તમે હાલના સમયમાં હેલ્મેટ પહેર્યા વગરના પકડાઈ જાઓ અને પોલીસ તમને તેના બદલે માસ્ક ન પહેરવા બદલનો દંડ ચૂકવવાનું કહે તો સહેજ પણ નવાઈ ન પામતા. પોતાના ‘માસ્ક ફાઈન્સ’ના ડેઈલી ટાર્ગેટને પૂરો કરવા માટે વિવિધ ચેક પોસ્ટ પર પોલીસકર્મીઓ તહેનાત થઈ ગયા છે અને હેલ્મેટ અથવા સીટબેલ્ટના બદલે માસ્ક ન પહેરવા બદલ મેમો ફાડી રહ્યા છે.
આવી એક ઘટના ગાંધીનગરના કોબા સર્કલ પાસે બની હતી. જેમાં એક વ્યક્તિએ માસ્ક પહેર્યું હતું અને તેણે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. તેમ છતાં તેને માસ્ક ન પહેરવા બદલ અપાતો ૨૦૦ રૂપિયાનો મેમો પોલીસે પકડાવ્યો હતો.
શુક્રવારે સવારે, રખિયાલમાં રહેતો વ્યક્તિ ગાંધીનગરના સેક્ટર ૨૭ તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને કોબા સર્કલ પાસે રોક્યો હતો.
‘પોલીસે મારુંં નામ અને એડ્રેસ પૂછ્યું અને બાદમાં મને ૨૦૦ રૂપિયાની રસીદ આપી, જેમાં લખ્યું હતું કે માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મેં માસ્ક પહેર્યું હતું, તેથી મેં પોલીસકર્મીને પૂછ્યું કે, તેમણે ખોટા ગુના માટે મારી પાસે કેમ દંડ વસૂલ્યો. તો તેમણે કહ્યું કે, હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફાડવામાં આવ્યો હોત, પરંતુ માસ્ક ન પહેરવા બદલની ૨૦૦ રૂપિયાની પ્રિન્ટેડ રસીદ તેમની પાસે હોવાથી તેમણે મારી પાસેથી ઓછો દંડ વસૂલ્યો છે’, તેમ કાલીમ સિદ્દીકીએ રસીદ બતાવતા કહ્યું હતું.
ઘણા ટુ-વ્હીલર ચાલકો સાથે આવું બન્યું છે. કે જેમણે માસ્ક પહેર્યું હોય અને અન્ય નિયમનો ભંગ કર્યો હોય છતાંય તેમને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારાયો હોય. એક વ્યક્તિ કે જેણે નહોતો સીટબેલ્ટ પહેર્યો કે નહોતા તેની પાસે વાહનોના કાગળ અને તેની પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ લેવામાં આવ્યો હતો.