હેવમોર રેસ્ટોરન્ટે 75 વર્ષ બાદ નામ બદલી ‘હોક્કો’ કર્યું
અમદાવાદ: શહેરની 75 વર્ષ જૂની રેસ્ટોરન્ટ બ્રાંડ હેવમોરે પોતાના ઈમેજ મેકઓવર કરવાના હેતુથી બ્રાન્ડનું નામ બદલીને હોક્કો કર્યું છે. HRPL રેસ્ટોરન્ટ્સ પ્રાઈવેટ લીમીટેડ આ નવા બ્રાંડ નેમ હેઠળ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આવતા ત્રણ વર્ષમાં રૂ. 100 કરોડના રોકાણ સાથે 60થી વધુ નવી રેસ્ટોરન્ટ અને ઈટરી શરુ કરશે. હેવમોર સૌથી વધુ તેના આઈસક્રીમ માટે ઘણી પ્રચલિત બ્રાંડ રહી છે અને કંપનીએ લગભગ બે વર્ષ પૂર્વે આ બ્રાન્ડને દક્ષિણ કોરિયાની લોટ્ટે કંપનીને વેચી દીધી હતી. હાલમાં કંપનીની બાગડોર ચોના પરિવારની ત્રીજી પેઢી પાસે છે. આઈસક્રીમ બિઝનેસના વેચાણ બાદ HRPLએ પોતાનું સંપૂર્ણ ધ્યાન રેસ્ટોરન્ટ બિઝનેસને વધુ વિસ્તૃત કરવા પર કેન્દ્રિત કર્યું હતું.
HRPLના ચેરમેન પ્રદિપ ચોનાએ જણાવ્યું કે, અમારા માટે આ એક લાગણી સભર નિર્ણય હતો. હેવમોરની બ્રાંડ તરીકે લોકોમાં એક આગવી ઓળખ છે પરંતુ આજના જમાના પ્રમાણે મેકઓવર કરવું અમને વધુ યોગ્ય લાગ્યું અને એટલે જ અમે નવું નામ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. અમને આશા છે કે, લોકો અમને અમારા નવા નામ સાથે પણ સ્વીકારશે.