હેસ્ટર ઈન્ડિયાએ ટાન્ઝાનિયાની થ્રિશૂલ એક્ઝિમમાં 50 ટકા હિસ્સો હસ્તગત કરવા કરાર કર્યો
અમદાવાદ, હેસ્ટર ઈન્ડિયાએ ટાન્ઝાનિયા અને આફ્રિકન ખંડમાં પોતાનું વિતરણ નેટવર્ક વધારવા માટે ટાન્ઝાનિયાની થ્રિશૂલ એક્ઝિમ લિમિટેડમાં 50 ટકા હિસ્સો હસ્તગર કરવા માટે કરાર કર્યો છે. થ્રિશૂલ 2012થી ટાન્ઝાનિયામાં એનિમલ હેલ્થ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાય સાથે સંકળાયેલી છે. થ્રિશૂલની પ્રોડક્ટ રેન્જમાં વેટરનરી ફીડ એડિટિવ્સ, ફીડ રો મટિરિયલ્સ, ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ, થેરાપ્યુટિક્સ અને માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો પાસેથી મેળવાયેલા ઈક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી થ્રિશૂલે ટાન્ઝાનિયામાં એનિમલ હેલ્થકેર સેગમેન્ટમાં પ્રતિષ્ઠિત ડિસ્ટ્રીબ્યુશન કંપની તરીકે પોતાને સ્થાપિત કરી છે અને આ ક્ષેત્રે અગ્રીમ સ્થાન મેળવ્યું છે. 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂરા થતા ગત નાણાંકીય વર્ષ માટે થ્રિશૂલનું ટર્નઓવર 7.10 અબજ શિલિંગ્સ (અંદાજે 30 લાખ અમેરિકી ડોલર) જેટલું હતું.
આ સૂચિત જોડાણથી હેસ્ટર આફ્રિકાની એનિમલ વેક્સિનની વધારાની રેન્જ ઉપરાંત ટાન્ઝાનિયા તથા આફ્રિકામાં હેસ્ટરની ડિસ્ટ્રીબ્યુશન કામગીરીને વેગ મળશે. સૂચિત હસ્તાંતરણ માટે 22.5 લાખ અમેરિકી ડોલરની રકમ નક્કી કરવામાં આવી છે. ટાન્ઝાનિયન રેગ્યુલેટરી અપ્રૂવલ્સ મળ્યા બાદ આ સૂચિત સોદાને અંતિમ ઓપ અપાશે.