હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ: વિજય શંકર સહિત 6 ખેલાડી આઇસોલેટ
દુબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનને કોરોનાની નજર લાગી ગઈ હોય એમ લાગી રહ્યું છે. પહેલા ફેઝમાં કોરોનાની એન્ટ્રી થતા હવે UAEમાં આયોજિત બીજા ફેઝ દરમિયાન પણ ખેલાડી પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ સામે આયોજિત મેચના 4 કલાક પહેલા હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જોકે BCCIએ કહ્યું છે કે મેચ તેના સમયાનુસાર જ શરૂ થશે. નટરાજનના પોઝિટિવ આવતા SRHના વિજય શંકર સિવાય અન્ય 5 કોચિંગ સ્ટાફને આઇસોલેટ કરાયા છે.
મે મહિનામાં, ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પોઝિટિવ આવ્યા બાદ સીઝન મુલતવી રાખવી પડી હતી. ત્યારપછી, બોર્ડે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં લીગનો ફેઝ-2 યોજવાનું નક્કી કર્યું હતું. કોરોનાને કારણે ભારતમાં T-20 વર્લ્ડ કપ ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલ ફેઝ -2 પછી આ ટુર્નામેન્ટ UAE અને ઓમાનમાં રમાશે.
IPL 2021ના પહેલા ફેઝમાં અમિત મિશ્રા, રિદ્ધિમાન સાહા, વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, નીતિશ રાણા, દેવદત્ત પડિકલ, ડેનિયલ સેમ્સ અને અક્ષર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સિવાય ચેન્નઈના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, ચેન્નઈના CEO કાશી વિશ્વનાથન, મુંબઈના ટેલેન્ટ સર્ચ ઓફિસર કિરણ મોરે, DDCA ગ્રાઉન્ડમેન, વાનખેડે ગ્રાઉન્ડ સ્ટાફ અને IPL બ્રોડકાસ્ટ ટીમ કોરોના સંક્રમિત થયા હતા.