હૈદરાબાદનો ચૈન્નઈ સુપર કિંગ્સ સામે સાત રને વિજય
દુબઈ: Ravindra Jadejaની અડધી સદી તથા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની લડાયક બેટિંગ છતાં ચેન્નઈ સુપર કિંગ્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સાત રને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં ચેન્નઈનો આ સળંગ ત્રીજો પરાજય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ ટીમે ચેન્નઈ સામે ૧૬૫ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો.
જેના જવાબમાં ખરાબ શરૂઆત બાદ ધોની અને Ravindra Jadejaએ લડત આપી હતી પરંતુ ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૭ રન જ નોંધાવી શકી હતી. અગાઉ હૈદરાબાદ માટે પ્રિયમ ગર્ગે શાનદાર અણનમ અડધી સદી ફટકારી હતી જેની મદદથી ટીમે મજબૂત સ્કોર ખડક્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ૧૬૫ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ચેન્નઈ ટીમની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી.
૪૨ રનમાં ટીમે તેની ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનર ફાફ ડુ પ્લેસિસ સિવાય કોઈ બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યું ન હતું. ડુ પ્લેસિસે ૧૯ બોલમાં ૨૨ રન નોંધાવ્યા હતા. જ્યારે તેનો સાથી ઓપનર શેન વોટસન એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. અંબાતી રાયડૂ આઠ અને કેદાર જાધવ ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા. જોકે, બાદમાં કેપ્ટન ધોની Ravindra Jadeja સાથે મળીને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જાડેજાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. પરંતુ મહત્વના સમયે તે આઉટ થઈ જતા ચેન્નઈને મોટો ફટકો પડ્યો હતો.
જાડેજા અને ધોનીએ ૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી. જાડેજાએ ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૫૦ રન ફટકાર્યા હતા. ધોનીએ ટીમને વિજય અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને નિષ્ફળતા મળી હતી. ધોનીએ ૩૬ બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ ૪૭ રનની ઈનિંગ્સ રમી હતી. હૈદરાબાદ માટે નટરાજને બે તથા ભુવનેશ્વર કુમાર અને અબ્દુલ સમદે એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ પ્રથમ બેટિંગમાં ઉતરેલી હૈદરાબાદની ટીમને પ્રથમ ઓવરમાં જ ફટકો પડ્યો હતો. જોની બેરસ્ટો ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં ઓપનર ડેવિડ વોર્નર અને મનીષ પાંડેની જોડીએ બાજી સંભાળી હતી.