હૈદરાબાદનો 21 વર્ષીય નીલકંઠ દુનિયાનો સૌથી ઝડપી Human Calculator
નવી દિલ્હીઃ સામાન્ય રીતે લોકોને ગણિતના કોયડા ઉકેલવા કે લાંબી ગણતરી કરવા માટે કેલ્કૂલેટરનો ઉપયોગ કરવો પડતો હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ કેલ્કૂલેટર વગર પણ મોટી અને અઘરી ગણતરી કરી શકે છે. આવો જ એક યુવક છે હૈદરાબાદનો નીલકંઠ ભાનુ પ્રકાશ નીલકંઠે હાલમાં જ દુનિયાના સૌથી તેજ હ્યૂમન કેલ્કૂલેટરનું ટાઇટલ જીત્યું છે. લંડનમાં થોડા દિવસ પહેલા માઇન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિયાડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં નીલકંઠ ભાનુ પ્રકાશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પ્રતિયોગિતામાં નીલકંઠ પહેલા સ્થાને આવ્યો છે. લંડનમાં યોજાયેલી આ પ્રતીયોગિતામાં 13 દેશોએ ભાગ લીધો હતો. નીલકંઠ ભાનુ પ્રકાશે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યૂએશનનનો અભ્યાસ કર્યો છે.
નીલકંઠનો દાવો છે કે આવું પહેલીવાર થયું છે કે જ્યારે ભારતે મેન્ટલ કેલ્કૂલેશન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીલકંઠના જણાવ્યા મુજબ, તેણે સ્કોટ ફ્લેન્સબર્ગ અને શકુંતલા દેવીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. નીલકંઠ 21 વર્ષનો છે અને તેના નામે સૌથી ઝડપી કેલ્કૂલેશન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ છે.